શિવસેનાના ભૂતપૂર્વ સંસદસભ્ય ગજાનન કીર્તિકરનાં પત્ની મેઘનાના પાર્થિવ દેહનાં દર્શન કરવા બન્ને નેતા ગોરેગામ પહોંચ્યા
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે
શિવસેનાના વરિષ્ઠ નેતા અને મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય ગજાનન કીર્તિકરનાં ૮૨ વર્ષનાં પત્ની મેઘનાનું ગઈ કાલે વહેલી સવારે અવસાન થયું હતું. મેઘના કીર્તિકરના મૃતદેહને બાદમાં તેમના ગોરેગામ-ઈસ્ટમાં પહાડી રોડ નંબર બે ખાતેના સ્નેહદીપ નિવાસસ્થાને બપોરના ચારથી સાંજના ૬ વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. એ પછી રાતના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં મેઘના કીર્તિકરના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
મેઘના કીર્તિકરના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન માટે ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ગજાનન કીર્તિકરના ઘરે ગયા હતા. ગજાનન કીર્તિકરનો પુત્ર અમોલ કીર્તિકર ઉદ્ધવસેનામાં છે એટલે ઉદ્ધવ ઠાકરે પહેલાં તેને મળ્યા હતા, બાદમાં ગજાનન કીર્તિકરને મળીને સાંત્વન આપ્યું હતું. આવી જ રીતે ગજાનન કીર્તિકર શિંદેસેનામાં છે એટલે એકનાથ શિંદે પહેલાં તેમને મળ્યા હતા અને બાદમાં અમોલને મળીને સાંત્વન આપ્યું હતું. આ સમયે અમોલે એકનાથ શિંદેને પગે લાગીને આશીર્વાદ લીધા હતા.
ADVERTISEMENT
એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિવસેનામાં બળવો કર્યા બાદ ગઈ કાલે પહેલી વખત ઉદ્વવ ઠાકરેની સામે આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે ગજાનન કીર્તિકરના ઘરે પહોંચ્યા બાદ થોડી વારમાં એકનાથ શિંદે પણ પહોંચ્યા હતા. આથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે થોડો સમય ગજાનન કીર્તિકરના ઘરમાં એકસાથે હતા, પરંતુ તેઓ એકબીજાથી ઘણા દૂર ઊભા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.