Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ગદ્દાર કોણ?

Published : 06 October, 2022 09:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરોધીઓ સાથે સરકાર બનાવનાર કે બળવો કરનારા?: ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એકબીજા પર આકરા પ્રહાર કર્યા : શિવસેનાની બન્ને દશેરાસભામાં મોટી સંખ્યામાં આખા રાજ્યમાંથી શિવસૈનિકો ઊમટ્યા

ગઈ કાલે શિવાજી પાર્ક (ઉપર) અને બીકેસીમાં આવેલા એમએમઆરડીએના ગ્રાઉન્ડમાં બન્ને સેનાએ પોતાની તાકાત બતાવવા હજારોની સંખ્યામાં શિવસૈનિકોને ભેગા કર્યા હતા. તસવીર:  આશિષ રાજે અને શાદાબ ખાન

Maharashtra Politics

ગઈ કાલે શિવાજી પાર્ક (ઉપર) અને બીકેસીમાં આવેલા એમએમઆરડીએના ગ્રાઉન્ડમાં બન્ને સેનાએ પોતાની તાકાત બતાવવા હજારોની સંખ્યામાં શિવસૈનિકોને ભેગા કર્યા હતા. તસવીર: આશિષ રાજે અને શાદાબ ખાન



મુંબઈ ઃ શિવસેનાની મુંબઈમાં એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ અને શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવેલી પરંપરાગત દશેરાસભામાં ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એકબીજાને ટાર્ગેટ કર્યા હતા. શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને કટપ્પા ગણાવીને ફરી એક વખત ગદ્દાર કહ્યા હતા તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ નિશાન બનાવ્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દોઢેક કલાકના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેને જ પક્ષમાં બળવો કરવા માટે જવાબદાર ગણાવ્યા હતા. 


દાદરમાં આવેલા શિવાજી પાર્કમાં શિવસેનાનું દશેરાસભાનું આયોજન થતું હતું, પરંતુ ત્રણેક મહિના પહેલાં એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ ઇતિહાસમાં પહેલી વખત બે દશેરાસભાનું આયોજન મુંબઈમાં થયું હતું. બન્ને સભામાં રાજ્યભરમાંથી આવેલા મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર રહ્યા હતા. 



શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં આયોજિત દશેરાસભામાં પહેલું ભાષણ કર્યું હતું. એમાં તેમણે શિવસેનામાં થયેલા ભંગાણ બાદ પણ શિવાજી પાર્કમાં મોટી સંખ્યામાં શિવસૈનિકોને જોઈને કહ્યું હતું કે કોણ કહે છે કે ‘શિવસેના ખતમ થઈ ગઈ છે? હું બીમાર હતો ત્યારે મેં જેમને જવાબદારી સોંપી હતી તેમણે મારી પીઠમાં ખંજર ભોંક્યું હતું. ગદ્દારી કરનારા કટપ્પાને ખતમ કરવા માટે તમે મારો સાથ આપશોને?’ 


ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું હતું કે ‘દર વર્ષે દશેરાસભાની જેમ રાવણનું દહન થાય છે. આ વર્ષે રાવણ જુદો છે. અત્યાર સુધીના રાવણ દસ માથાંના હતા, આ વખતે માથાંની સંખ્યા પચાસ થઈ ગઈ છે. હવે તે ખોકાસુર છે, ધોકાસુર છે. તેમણે મને કાયમ માટે ખતમ કરવાની યોજના બનાવી હતી, પરંતુ જ્યાં સુધી શિવસૈનિકોનો સાથ છે ત્યાં સુધી તેઓ ક્યારેય સફળ નહીં થાય.’ 
એકનાથ શિંદે પર હુમલો કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘માણસને સત્તાની કેટલી હવસ હોય છે. મુખ્ય પ્રધાન બન્યા બાદ હવે તેમને શિવસેના-પ્રમુખ બનવું છે. તમે તેમને સ્વીકારશો? બાપ ચોરનારી આ ઔલાદ, પોતાના વડીલના નામે મત માગે.’  

ઉદ્ધવ ઠાકરેનું ભાષણ પૂરું થયા બાદ એમએમઆરડીએ મેદાનમાં આયોજિત દશેરાસભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું ભાષણ શરૂ થયું હતું. તેમણે શિવસેનામાં બળવા માટે ઉદ્ધવ ઠાકરેને જવાબદાર ગણાવ્યા હતા. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘બાળાસાહેબના વિચારને તિલાંજલિ આપીને ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડી સરકારમાં મુખ્ય પ્રધાન બનવાનો નિર્ણય લીધો હતો ત્યારે અમે તેમને સહયોગ કર્યો હતો. જોકે બાદમાં એનસીપીએ ઉદ્ધવ ઠાકરેનો કબજો લઈને શિવસેનાને ખતમ કરવાની શરૂઆત કરી હોવાનું ધ્યાનમાં આવતાં પક્ષના સંસદસભ્યો, વિધાનસભ્યો અને હજારો શિવસૈનિકોએ ઉદ્ધવ ઠાકરેને આ વાત કહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે અમારી વાત કાને નહોતી ધરી. પાણી માથા પરથી જઈ રહ્યું હતું એટલે અમે શિવસેનાને બચાવવા માટે ક્રાંતિ કરી. શિવસેના કોઈની પ્રાઇવેટ કંપની નથી, જેમાં મોઢામાં સોનાની ચમચી લઈને જન્મેલા જ મુખ્ય પ્રધાન બને.’


એકનાથ શિંદેએ આગળ કહ્યું હતું કે ‘શિવસેના ઉદ્ધવ ઠાકરે કે એકનાથ શિંદેની નહીં, પણ શિવસૈનિકોની છે, બાળાસાહેબના વિચારની છે. સત્તા માટે અમે લાચારી સ્વીકારી નથી. અમારા માટે સત્તા કરતાં સત્ય અને સત્ત્વ મહત્ત્વનું છે. અમને સતત ગદ્દાર અને ખોકેનો ટોણો મારવામાં આવી રહ્યો છે. ૨૦૧૯માં બીજેપી સાથે યુતિમાં ચૂંટણી લડીને બાળાસાહેબે જેનો કાયમ વિરોધ કર્યો હતો એ કૉન્ગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવીને બાળાસાહેબના વિચાર સાથે ગદ્દારી કોણે કરી? રાજ્યના મતદારો સાથે ગદ્દારી કોણે કરી? સત્તા મેળવવા માટે કોણ ગદ્દાર થયું? દેશદ્રોહી પ્રવૃત્તિ કરતી સંસ્થા પીએફઆઇના પુણેમાં પાકિસ્તાન ઝિંદાબાદ બાબતે એક શબ્દ પણ ન બોલનારા ગદ્દાર નથી? ’

બીજેપી સાથે સત્તાસ્થાપના પર સવાલ કરનારાઓને જવાબ આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘બાળાસાહેબ ઠાકરેએ જીવનભર ૩૭૦મી કલમ અને અયોધ્યામાં રામમંદિર બાંધવાની માગણી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બાળાસાહેબની બન્ને માગણી પૂરી કરી છે. આવા લોકો સાથે નહીં તો શું દાઉદ અને ઇકબાલ મેમણની વિચારધારા રાખતી કૉન્ગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવીએ?’

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK