ફેસબુક પોસ્ટ કરવા બદલ મારપીટ કરવામાં આવેલી યુવતીને હૉસ્પિટલમાં મળવા ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે પહોંચ્યા
એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે
થાણેમાં ઉદ્ધવ ઠાકરે જૂથની મહિલા પદાધિકારીની એકનાથ શિંદે જૂથની મહિલાઓએ મારપીટ કરી હોવાના મામલે ગઈ કાલે રાજકારણ ગરમાયું હતું. મારપીટ બાદ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવેલી મહિલાને મળવા ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે પહોંચ્યા હતા અને તેમણે તેના પર હુમલો કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ઘોડબંદર રોડ પર કાસરવડવલી વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે જૂથની રોશની શિંદેની ઑફિસ આવેલી છે. અહીંથી સોમવારે સાંજે તે પોતાના ઘર તરફ જતી હતી ત્યારે કથિત રીતે એકનાથ શિંદે જૂથની ૧૫થી ૨૦ મહિલાઓએ તેની મારપીટ કરી હોવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના સત્તાસંઘર્ષનો ચુકાદો આવવાનો બાકી છે ત્યારે આ ઘટનાથી થાણેમાં ફરી એક વખત બંને શિવસેના સામસામે આવી ગઈ હતી.
ત્રણ દિવસ પહેલાં થાણેમાં સાવરકર ગૌરવ યાત્રા દરમ્યાન એકનાથ શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કેએ એક પત્રકારે પૂછેલા સવાલનો જવાબ આપવાને બદલે ધમકી આપી હોવાનો આરોપ છે. આ વિશે ઉદ્ધવ ઠાકરે જૂથની મહિલા પદાધિકારી રોશની શિંદેએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી, જેના વિરોધમાં એકનાથ શિંદે જૂથની મહિલાઓએ રોશની શિંદે પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. મારપીટ બાદ રોશની શિંદેને તેના પરિવારજનોએ થાણેમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી છે. અહીંના ડૉક્ટરે ગઈ કાલે કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે સાડાદસ વાગ્યે રોશની શિંદેને તેના કુટુંબીજનોએ અહીં ઍડ્મિટ કરી છે. તેણે પોતાના પર કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાનું કહ્યું છે. પ્રાથમિક ઉપચાર સિવિલ હૉસ્પિટલમાં કરાયા બાદ તેને અહીં લાવવામાં આવી છે. તેના શરીર પર કેટલાક હલકા જખમ છે. જોકે તેને મૂઢ માર વાગ્યો છે એટલે લોહી વહ્યું નથી. યુરિન ટેસ્ટમાં તે પ્રેગ્નન્ટ ન હોવાનું જણાયું છે. પેટમાં લાત-મુક્કા મારવામાં આવ્યાં હોવાનું તેણે કહ્યું છે. પેટની સોનોગ્રાફીમાં કોઈ જગ્યાએ લોહી નીકળ્યું હોવાનું કે ફ્રૅક્ચર થયું હોવાનું જણાયું નથી. તેની તબિયત સ્થિર છે.’
ADVERTISEMENT
રોશની શિંદેની એકનાથ શિંદે જૂથની મહિલાઓએ મારપીટ કરી હોવાનું જાણ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મિ અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે ગઈ કાલે બપોરે થાણેની હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેની તબિયતની પૂછપરછ કરી હતી.
જોકે એકનાથ શિંદે જૂથના નેતાઓએ આ બાબતે કહ્યું હતું કે ‘આ એક સમાન્ય ઘટના છે. એને રાજકીય સ્વરૂપ આપવા માટે માતોશ્રીથી ઉદ્ધવ ઠાકરે આખા પરિવાર સાથે અહીં દોડી આવ્યા છે. ડૉક્ટરના રિપોર્ટમાં તે પ્રેગ્નન્ટ ન હોવાનું તેમ જ કોઈ ગંભીર માર ન વાગ્યો હોવાનું જણાયું છે.’
રોશની શિંદેની મારપીટના મામલામાં હજી સુધી પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલાને ગંભીરતાથી લઈને આનંદ આશ્રમમાં સિનિયર પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી અને મંગળવારે સાંજે થયેલા રાડાની માહિતીૈ લીધી હતી. તેમણે આ મામલે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.