શરદ પવારે એકનાથ શિંદેને પુરસ્કાર આપ્યો હોવાથી ઉદ્ધવસેનાના પેટમાં તેલ રેડાયું
ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, આદિત્ય ઠાકરે
હંમેશાં શરદ પવારનો પક્ષ લેનારા સંજય રાઉત પહેલી વાર તેમની ખિલાફ બોલ્યા: મંગળવારે દિલ્હીમાં યોજાયેલા ફંક્શન બાદ ગઈ કાલે ફરી એક વાર શિંદેસેનાના બે નેતા મરાઠા નેતાને તેમના ઘરે જઈને મળ્યા : આ બધા વચ્ચે આદિત્ય ઠાકરે પણ દિલ્હી પહોંચ્યા
મંગળવારે રાત્રે દિલ્હીમાં એકનાથ શિંદેને મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર શરદ પવારના હસ્તે આપવામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે. જ્યારથી મહા વિકાસ આઘાડી બની છે ત્યારથી શરદ પવારના બચાવમાં ઊભા રહેનારા ઉદ્ધવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે પહેલી વાર રાજ્યના સૌથી વરિષ્ઠ નેતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જે એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની સરકાર પાડીને શિવસેનાના બે ટુકડા કર્યા, રાજ્યના લોકો સાથે બેઈમાની કરી તેના કાર્યક્રમમાં શરદ પવારે નહોતું જવું જોઈતું. રાજકારણમાં આવી બાબતોને ટાળવી જોઈએ એવી અમારી ભાવના છે. આ શિંદેનો નહીં પણ મહારાષ્ટ્રને તોડનારા અમિત શાહનો સત્કાર હતો એવું અમે માનીએ છીએ. તમને એવું લાગે છે કે અમને તમારું દિલ્હીનું રાજકારણ સમજાતું નથી, તો તમે ખોટા છો. અમને પણ દિલ્હીનું પૉલિટિક્સ બરાબર સમજાય છે.’
ADVERTISEMENT
સંજય રાઉતની ટીકાના જવાબમાં શરદ પવારની પાર્ટીના સંસદસભ્ય અમોલ કોલ્હેએ કહ્યું હતું કે ‘કદાચ આ સંજય રાઉતનો અંગત અભિપ્રાય હશે. દરેક બાબતમાં પૉલિટિક્સ ન લાવવું જોઈએ. પવારસાહેબે સ્ટેટ્સમૅનશિપ બતાવી. મને નથી લગાતું કે તેમણે કંઈ ખોટું કર્યું હોય.’
૯૮મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં શરદ પવારે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં એકનાથ શિંદેને પુરસ્કાર આપ્યો હતો. મંગળવારના આ ડેવલપમેન્ટ પછી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ઉદ્ધવસેના મહા વિકાસ આઘાડી છોડવાની તૈયારીમાં છે. આમ પણ કૉન્ગ્રેસ અને ઉદ્ધવસેનાને તો પહેલેથી જ એકબીજા સાથે ફાવતું નથી. આ તો શરદ પવારને લીધે તેઓ એક તાંતણે જોડાયેલા હતા.
આ ઘટના બાદ ગઈ કાલે એકનાથ શિંદેના બે નેતા ઉદય સામંત અને નરેશ મ્હસ્કે શરદ પવારને તેમના દિલ્હીના ઘરે જઈને પણ મળ્યા હતા. આ મીટિંગ બાદ રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે ‘હું રાજ્યનો મરાઠી ભાષાનો પ્રધાન પણ છું. દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન ચાલી રહ્યું છે અને શરદ પવાર એના અધ્યક્ષ હોવાથી એ નાતે હું તેમને મળવા આવ્યો હતો. તમે શરદ પવારને મળો અને એની ચર્ચા થાય એ સ્વાભાવિક છે. અમારી સાહિત્ય સંમેલન વિશે ચર્ચા થઈ હતી, પણ તમે અમારી મીટિંગને લઈને આટલા ન્યુઝ આપી રહ્યા છો તો કંઈક તો ચર્ચા થઈ જ હશે. જોકે અમારી વચ્ચે જે પણ ચર્ચા થઈ છે એની હું અને નરેશ મ્હસ્કે અમારા નેતા એકનાથ શિંદે સાથે વાત કરીશું અને ત્યાર બાદ તમને જણાવીશું.’
બીજી બાજુ, ગઈ કાલે સાંજે આદિત્ય ઠાકરે પણ દિલ્હી માટે નીકળ્યા હતા. ત્યાં તેઓ પાર્ટીના સંસદસભ્યોને મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને મળે એવી પણ શક્યતા છે.
શિંદેના આ વાક્યની થઈ રહી છે જોરદાર ચર્ચા
દિલ્હીના કાર્યક્રમમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આ પુરસ્કાર મહાદજી શિંદેના નામનો છે. હું એકનાથ શિંદે છું. અહીં જ્યોતિરાદિત્ય શિંદે (તેમની અટક સિંધિયા છે, પણ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને શિંદે કહી હતી) પણ છે. આવી જ રીતે સદાનંદ શિંદે પણ શરદ પવારના સસરા છે. એક રીતે જોવા જઈએ તો બધા શિંદે અહીં ભેગા થયા છે. સદાનંદ શિંદે ભારતના જાણીતા સ્પિન બોલર હતા. તેમની ગુગલીની ભલભલાને ખબર નહોતી પડતી. પવારસાહેબની પણ પૉલિટિકલ ગુગલી અનેક લોકોને સમજાતી નથી, પણ મારો અને પવારસાહેબનો ઘનિષ્ઠ સંબંધ છે. તેમણે આજ સુધી મને ક્યારેય ગુગલી નથી નાખી અને આગળ પણ નહીં નાખે એનો મને વિશ્વાસ છે.’

