મેટ્રો-૩ના ઑપરેશનમાં જોગેશ્વરી અને આરે કૉલોનીના લોકોને જ નોકરી આપો
મેટ્રો-૩
આરે કૉલોનીમાં કારશેડ ધરાવતી અને સીપ્ઝથી કોલાબા અન્ડરગ્રાઉન્ડ દોડનારી મેટ્રો-૩માં જોગેશ્વરી અને આરે કૉલોનીના સ્થાનિક લોકોને જ નોકરી પર રાખવામાં આવે એવી માગણી જોગેશ્વરીના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના શાખાપ્રમુખ સંદીપ ગાઢવેએ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)ને પત્ર લખીને કરી છે. સંદીપ ગાઢવેએ કહ્યું હતું કે ‘પર્યાવરણપ્રેમીઓ દ્વારા આરેમાં કારશેડ બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. એ પછી જેને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો તે કૉન્ટ્રૅક્ટર બહારગામથી કામગારોને લઈ આવ્યો હતો. આમ અહીંના સ્થાનિક લોકોને રોજગાર નથી મળ્યો એટલે અમે આ નહીં ચલાવી લઈએ. એથી અમે MMRCLને પત્ર લખીને રિક્વેસ્ટ કરી છે કે મેટ્રો ચાલુ થાય ત્યારે એમાં આરે કૉલોની અને જોગેશ્વરીના સ્થાનિક લોકોને ગવર્નમેન્ટની ગાઇડલાઇન અને નિયમો મુજબ નોકરી આપવામાં આવે. અમે આ માટે MMRCLને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો એ આ સમયગાળામાં એના પર કોઈ નિર્ણય નહીં લે તો અમે આરેમાં આવેલા એના કારશેડ સામે ધરણાં કરીને વિરોધ-પ્રદર્શન કરીશું.’