ચીનના આ શહેરમાં એક કસીનોમાં જુગાર રમતા હોવાના ફોટો વાઇરલ થયા બાદ સંજય રાઉતે મૂક્યો આરોપ
સંજય રાઉતે ટ્વીટ કરેલા આ ફોટોમાં ચંદ્રશેખર બાવનકુળે કસીનોમાં હોવાનું જણાઈ આવે છે
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર ૧૯ નવેમ્બરે મકાઉની મુલાકાત વખતે કસીનોમાં સાડાત્રણ કરોડ રૂપિયાનો જુગાર રમ્યા હોવાનું ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું. પોતાની પાસે ચંદ્રશેખર બાવનકુળેના કસીનોમાં હાજર રહીને જુગાર રમતા હોવાના ૨૭ ફોટો અને પાંચ વિડિયો હોવાનો દાવો તેમણે કર્યો છે.
સંજય રાઉતે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘૧૯ નવેમ્બર, મધરાત, મુકામ પોસ્ટ મકાઉ, વેનેશાઇન. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ સાડાત્રણ કરોડ રૂપિયા કસીનો જુગારમાં ઉડાડ્યા હોવાનું જોનારાઓએ કહ્યું છે. હિન્દુત્વવાદી મહાશાય જુગાર રમી રહ્યા છે. મારી પાસે તેમના જુગાર રમતા હોવાના ૨૭ ફોટો અને પાંચ વિડિયો છે.’
સંજય રાઉતે જુગાર સંબંધી આરોપ કર્યા બાદ બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘અમે ચીનના મકાઉની એક હોટેલમાં રવિવારે પરિવાર સાથે ગયા હતા. આ હોટેલના ગ્રાઉન્ડ ફ્લોરમાં રેસ્ટોરાં અને કસીનો સાથે છે. અમે અહીં ડિનર માટે ગયા હતા. હું જુગાર રમતો નથી, એટલે સાડાત્રણ કરોડ રૂપિયા હારવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે.’
મહારાષ્ટ્ર બીજેપીએ પણ સંજય રાઉતને જવાબ આપતાં કહ્યું હતું કે ‘અમારા પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે તેમના જીવનમાં ક્યારેય જુગાર નથી રમ્યા. સંજય રાઉતનું જીવન જ જુગાર બની ગયું છે એટલે તેમને બધા જુગારી જ દેખાય છે. સંજયભાઉ, અમને જવાબ આપો, આદિત્યના એ ગ્લાસમાં કયા બ્રૅન્ડની વ્હિસ્કી હતી?’
શિવસૈનિકોને પૂછપરછ માટે હાજર થવાનો આદેશ
બાળાસાહેબ ઠાકરેના ૧૭ નવેમ્બરના સ્મૃતિદિનની પૂર્વસંધ્યાએ શિવાજી પાર્ક ખાતેના શિવતીર્થમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગયા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ હોબાળો મચાવતાં એકનાથ શિંદે જૂથના શિવસૈનિકો પણ આક્રમક બની ગયા હતા, જેને પગલે અહીં જોરદાર રાડો થયો હતો. આ મામલામાં શિવાજી પાર્ક પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના પદાધિકારીઓને નોટિસ મોકલીને તેમને પ્રાથમિક પૂછપરછ માટે પોલીસ-સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ પદાધિકારીઓએ મહિલાઓની ધક્કામુક્કી કરીને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે. જોકે આ રાજકીય મામલો છે એટલે પોલીસ કોઈની સામે કાર્યવાહી કરે એવી શક્યતા નથી.
ADVERTISEMENT
કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો આરક્ષણનો મામલો ઉકેલશે
મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં જો કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો સરકારી નોકરી અને શિક્ષણમાં આરક્ષણનો મામલો ઉકેલશે, એમ ગઈ કાલે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું. કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર આરક્ષણ સંબંધી મામલાને ગંભીરતાથી નથી લેતી એટલે કૉન્ગ્રેસ રાજ્ય અને કેન્દ્રમાં સત્તા પર આવશે તો આ મુદ્દાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. અમારા નેતા રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તીગણતરી કરવાની માગણી કરી છે. આમ થશે તો આરક્ષણ સંબંધિત બધી સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.’
ચૂંટણી પંચમાં હવે એનસીપીની રોજેરોજ સુનાવણી
અજિત પવારે કાકા શરદ પવાર સાથે છેડો ફાડીને રાજ્ય સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધા બાદ એનસીપીમાં ઐતિહાસિક ભાગલા પડ્યા છે. પક્ષમાં ભંગાણ થયા બાદ પક્ષ કોનો? એને માટેની લડત અત્યારે શરદ પવાર અને અજિત પવાર જૂથ વચ્ચે સુપ્રીમ કોર્ટની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ચાલી રહી છે. ગઈ કાલે ચૂંટણી પંચમાં આ સંબંધી સુનાવણી થઈ હતી ત્યારે શરદ પવાર હાજર રહ્યા હતા. અજિત પવાર જૂથ વતી પાર્થ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સુનાવણીમાં અજિત પવાર પણ હાજર રહેવાના હતા, પણ ‘સરકાર તમારા દ્વારે’ કાર્યક્રમમાં અજિત પવાર ભંડારામાં હતા એટલે તેઓ સુનાવણીમાં નહોતા ગયા.