તપાસમાં બન્ને મહિલાઓએ પાસપોર્ટમાં છેડછાડ કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઓમાન જવા પાસપોર્ટનાં પાનાંઓને કેમિકલથી વૉશ કરીને ખોટા વીઝા ચોંટાડી ગેરકાયદે બીજા દેશમાં જવાની કોશિશ કરનાર જાસ્મિન શેખ અને શબાના પઠાનની બુધવારે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી સહાર પોલીસે ધરપકડ કરી હતી. બન્ને મહિલાઓ પાસે ઓમાન દેશના ટૂરિસ્ટ-વીઝા હતા. ઇમિગ્રેશન વિભાગ દ્વારા તપાસ કરવા પાસપોર્ટ પર આપેલો બારકોડ સ્કૅન કરવામાં આવ્યો ત્યારે બન્નેમાં ટેક્નિકલ ઇશ્યુ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ કરેલી તપાસમાં બન્ને મહિલાઓએ પાસપોર્ટમાં છેડછાડ કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.
બન્ને મહિલાઓએ ઓમાન દેશમાં ફરવા જવા માટે પાસપોર્ટમાં ચેડાં કર્યાં હોવાની કબૂલાત કરી હતી એમ જણાવતાં સહાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાપુરાવ ગાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇમિગ્રેશન ઑફિસર તૃષાલી પવાર બુધવારે મુંબઈથી ઓમાન જતી ફ્લાઇટના બોર્ડિંગ કાઉન્ટર પર તમામ પ્રવાસીઓના વીઝા અને પાસપોર્ટ તપાસી રહી હતી ત્યારે જાસ્મિન અને શબાના બન્નેના પાસપોર્ટ તપાસતાં એકથી બે પાનાં બીજાં પાનાં જેવાં ન દેખાતાં શંકા ગઈ હતી એટલે તેમની વધુ તપાસ બીજી ટીમને સોંપવામાં આવી હતી. તપાસમાં બન્નેના પાસપોર્ટ પર રહેલા ઓમાન દેશના વીઝા ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, બન્ને પાસપોર્ટનાં પાનાંને કેમિકલથી વૉશ કર્યાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. અંતે ઇમિગ્રેશન વિભાગે ઘટનાની જાણ અમને કરતાં અમે બન્ને મહિલા સામે ફરિયાદ નોંધીને તેમની તાત્કાલિક ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’
ADVERTISEMENT