બન્ને આરોપીઓ ૨૫ નવેમ્બરે જામીન પર બહાર આવ્યા બાદ એકબીજાના સંપર્કમાં હતા
પ્રતીકાત્મક તસવીર
આગ્રીપાડામાં આવેલી રિષભ જ્વેલર્સના માલિક અને એક કર્મચારીને ૨૯ ડિસેમ્બરે બંદૂકની અણીએ બંધી બનાવીને ૧.૯૧ કરોડ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની લૂંટ કરવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચ અને આગ્રીપાડા પોલીસે ગઈ કાલે મધ્ય પ્રદેશમાંથી વિનોદ પાલ અને સંતોષકુમાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓ જાણીતા ગુનેગારો છે. બન્ને ઝાંસીની જેલમાં અલગ-અલગ કેસમાં સમય પસાર કરતી વખતે મળ્યા હતા અને મુંબઈમાં ચોરીની યોજના બનાવીને આગ્રીપાડામાં અંજામ આપ્યો હતો.
સંતોષકુમાર આગ્રીપાડા વિસ્તારના એક જ્વેલર પાસે કામ કરતો હોવાથી જ્વેલરી સ્ટોર્સના કામકાજથી પરિચિત હતો એમ જણાવતાં ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને આરોપીઓ ઝાંસીના રહેવાસી છે. ઉપરાંત વિનોદ સામે જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનોમાં ૧૨ કેસ અને સંતોષ સામે ૪ કેસ નોંધાયેલા છે. બન્ને આરોપીઓ ૨૫ નવેમ્બરે જામીન પર બહાર આવ્યા બાદ એકબીજાના સંપર્કમાં હતા. દરમ્યાન સંતોષે મુંબઈમાં જ્વેલરીની દુકાનમાં ચોરીની યોજના બનાવીને એને અંજામ આપ્યો હતો. આરોપીઓએ ગુનો કરવાની યોજના ઘડીને દેશી બનાવટની પિસ્તોલ પણ ખરીદી હતી. રવિવારે બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ જ્વેલરી સ્ટોરના માલિક અને તેનો કર્મચારી કામ કરી રહ્યા હતા ત્યારે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.’