વેવાઈ અને વેવાણનાં મોત, આગળ બેસેલું યંગ કપલ સીટ-બેલ્ટ પહેર્યા હોવાથી બચી ગયું
કાર પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર રોડ-સાઇડના ખાડામાં ગબડી પડી હતી અને બે જણનાં મોત થયાં હતા.
દહાણુના મહાલક્ષ્મી મંદિરથી સુરત જતી વખતે મુંબઈ-અમદાવાદ હાઇવે પર કન્ટ્રોલ ગુમાવવાને પગલે કાર નીચે પટકાઈ હતી અને એમાં બેઠેલાં સિનિયર સિટિઝન વેવાઈ અને વેવાણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે આગળ બેઠેલા યંગ કપલે સીટ-બેલ્ટ પહેર્યા હતા એટલે એ બચી ગયું હતું.
આ ગોઝારા અકસ્માત વિશે માહિતી આપતાં કાસા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અવિનાશ માંડલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અકસ્માત ગઈ કાલે બપોરે એક વાગ્યે ઓવરસ્પીડિંગને કારણે થયો હતો. ભાસ્કર આરીવાલા કાર ચલાવી રહ્યો હતો. તેની બાજુમાં તેની પત્ની બેઠી હતી, જ્યારે પાછળ તેનાં મમ્મી રમીલા આરીવાલા અને ૬૬ વર્ષના સસરા દિનેશ ઘીવાલા બેઠાં હતાં. મહાલક્ષ્મીથી દર્શન કરીને તેઓ સુરત જઈ રહ્યાં હતાં ત્યારે ભાસ્કરે ઓવરસ્પીડમાં કાર પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર હાઇવેની સાઇડ પર આવેલા ખાડામાં પટકાઈ હતી. આ ઘટનામાં રમીલાબહેન અને તેમના વેવાઈ દિનેશભાઈનાં મૃત્યુ થયાં હતાં.’