Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અન્ડરવર્લ્ડ ડૉનના નામે બદલાપુરના બે બિલ્ડરને ખંડણી માટે ફોન આવ્યો

અન્ડરવર્લ્ડ ડૉનના નામે બદલાપુરના બે બિલ્ડરને ખંડણી માટે ફોન આવ્યો

Published : 29 September, 2024 11:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનૅશનલ નંબર પરથી આવેલા ફોનમાં એક બિલ્ડરને પચીસ લાખ આપવાના અને બીજાને ત્રણ ફ્લૅટ છોટા રાજનના વિશ્વાસુ ડી. કે. રાવના નામે કરવાની ધમકી આપી

ડી. કે. રાવ

ડી. કે. રાવ


બદલાપુરમાં ૩૯ વર્ષના હર્ષલ ઘોરપડે અને ૬૦ વર્ષના અવિનાશ પાટકર નામના બિલ્ડરને અજાણ્યા યુવાને ફોન કરી અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજનના સાથીદાર ડી. કે. રાવના નામે લાખો રૂપિયાની ખંડણી માગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અજાણ્યા યુવાને પહેલા ડેવલપરના મોબાઇલ પર ફોન કરી પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી, જ્યારે બીજા ડેવલપર પાસેથી તે બાંધી રહેલા નવા બિલ્ડિગમાં ત્રણ ફ્લૅટની માગણી કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


અજાણ્યા યુવાને ફોન કરી બન્ને ડેવલપરને આર્થર રોડમાં બંધ છોટા રાજનના સાથીદાર ડી. કે. રાવને મળવા કહ્યું હતું. એટલું જ નહીં, પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, એમ જણાવતાં બદલાપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ બાલવાડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અવિનાશ પાટકર શુક્રવારે તેમની બાંધકામ સાઇટ પર હતા ત્યારે તેમને ઇન્ટરનૅશનલ નંબર પરથી વૉટ્સઍપ-કૉલ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ આપ્યા વગર તેમને આર્થર રોડ જેલમાં જઈ ડી. કે. રાવને મળવા કહ્યું હતું. અવિનાશ પાટકરે હું ત્યાં શું કામ જાઉં એવું પૂછતાં ફોન કરનારી વ્યક્તિએ કહ્યું હતું કે ડી. કે. રાવને મળી પચીસ લાખ રૂપિયા આપી દે, નહીં તો તું જાનથી જઈશ. ત્યાર બાદ તે અમારી પાસે ફરિયાદ માટે આવ્યા હતા. આવી જ રીતે હર્ષલ ઘોરપડે નામના ડેવલપરને ફોન કરી પહેલાં ડી. કે. રાવના નામે ધમકાવી નવા બની રહેલા બિલ્ડિંગમાં ત્રણ ફ્લૅટ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં પણ બિલ્ડરને મારવાની ધમકી આપવામાં આવી હતી. અંતે તેણે પણ અમારી પાસે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’



આ બન્ને કેસમાં થાણે ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ અને અમારી ટીમ તપાસ કરી રહી છે એમ જણાવતાં બદલાપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ બાલવાડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં જે નંબરથી ફોન આવ્યા હતા એની માહિતી કાઢવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસની જૉઇન્ટ તપાસ કરી રહી છે.’


કોણ છે ડી. કે. રાવ?

માટુંગામાં જન્મેલો રવિ મલ્લેશ બોરા ઉર્ફે ડી. કે. રાવ ૧૯૮૦ના દાયકાથી અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલો છે. એક સમયે તે છોટા રાજનનો રાઇટ હૅન્ડ હતો. તેના પર મર્ડર, હાફ-મર્ડર, ખંડણી સહિતના ૩૦ ગુના છે. જોકે અમુક કેસમાં તે છૂટી ગયો છે. અત્યાર સુધીમાં ત્રણ વખત પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી, પણ તે દરેક વખતે ભાગી જવામાં સફળ રહ્યો હતો. જોકે એક વાર તેને સાત ગોળી વાગી હતી. ૨૦૧૭માં ઍન્ટૉપ હિલના એક બિલ્ડર પાસેથી ખંડણી માગવાના કેસમાં અત્યારે તે જેલમાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK