બાળકે નવડાવી રહેલા આરોપી પર પેશાબ કર્યો હોવાથી ગુસ્સામાં તેણે તેના માથા પર માર્યું હતું એમાં તેનું મૃત્યુ થયું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કાંદિવલી-વેસ્ટના શાંતિલાલ મોદી રોડ પર ફુટપાથ પર પરિવાર સાથે સૂતેલા ૪ વર્ષના બાળકની શનિવારે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવતું હતું, પણ આ કેસમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો છે. શનિવારે પરોઢે આરોપીએ ચાર વર્ષના બાળકની હત્યા નહોતી કરી, પણ તેને ગુસ્સામાં માર્યું હોવાથી પડી જવાને લીધે બાળકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે પચીસ વર્ષના આરોપી અક્ષય ગરુડને સુરતથી પકડી લીધો છે. પોલીસને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી બાળકના પરિવારને જાણે છે અને છેલ્લાં ત્રણ વર્ષથી તે બાળકની સારસંભાળ રાખે છે. શનિવારે મધરાત બાદ આરોપી બાળકને નવડાવતો હતો ત્યારે બાળકે તેના પર પેશાબ કર્યો હતો. એનાથી ગુસ્સે ભરાઈને અક્ષયે બાળકના માથા પર મારતાં તે પડી ગયો હતો. આથી ગભરાઈ ગયેલો અક્ષય ત્યાંથી ભાગી ગયો હતો.
આ બધું આરોપીએ પોલીસને પૂછપરછ દરમ્યાન કહ્યું હતું. આ કેસની તપાસ કરવા માટે કાંદિવલી પોલીસે છ ટીમ બનાવીને ૨૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં.

