અત્યાર સુધી આ ટર્ટલ્સનાં ઈંડાં બીચ પરથી કોઈ જંગલી પ્રાણીઓ કે માણસો ઉઠાવી જતા હોવાથી જન્મ પહેલાં જ એમનું બાળમરણ થઈ જતું હતું. જોકે ભારતમાં લગભગ સાતેક જગ્યાઓએ ઑલિવ રિડલી ટર્ટલ્સનાં સંવર્ધન માટેનાં કેન્દ્રો તૈયાર થયાં છે.
ઑલિવ રિડલી ટર્ટલનાં ઈંડાં માટે વેલાસ બીચ પર બનાવેલું સંવર્ધન કેન્દ્ર.
વિશ્વમાં કુલ સાત પ્રજાતિના સી ટર્ટલ્સ જોવા મળે છે અને સાતેય પ્રજાતિના ટર્ટલ્સ લુપ્ત થવાના આરે છે. ભારતમાં જોવા મળતા નામશેષ થવાનું જોખમ ધરાવતા ઑલિવ રિડલી પ્રજાતિના ટર્ટલ્સનું સંવર્ધન કરવા માટે મહારાષ્ટ્રના રત્નાગિરિ વિસ્તારમાં સારીએવી પ્રવૃત્તિ થાય છે. અત્યાર સુધી આ ટર્ટલ્સનાં ઈંડાં બીચ પરથી કોઈ જંગલી પ્રાણીઓ કે માણસો ઉઠાવી જતા હોવાથી જન્મ પહેલાં જ એમનું બાળમરણ થઈ જતું હતું. જોકે ભારતમાં લગભગ સાતેક જગ્યાઓએ ઑલિવ રિડલી ટર્ટલ્સનાં સંવર્ધન માટેનાં કેન્દ્રો તૈયાર થયાં છે.
મુંબઈગરાઓ માટે સૌથી નજીક રત્નાગિરિ જિલ્લાના વેલાસ અને આંજરલે બીચ પાસે આ ટર્ટલ્સનાં સંવર્ધન કેન્દ્રો શરૂ થયાં છે. આ કેન્દ્રોમાં દરિયાકિનારે નાની હૅચરી તૈયાર કરવામાં આવી છે. માદા ટર્ટલ મોટા ભાગે રાતના સમયે બીચ પર ખાડો ખોદીને એમાં પોતાનાં ઈંડાં મૂકી જાય છે. આ ઈંડાંને બહાર કાઢીને દરિયાકિનારે જ સેફ જગ્યાએ ખાડો ખોદીને એને સેવવા માટે મૂકવામાં આવે છે. એની જાળવણી માટે ઉપર ટોપલી અને ચોતરફ સંરક્ષણ વૉલ બનાવવામાં આવે છે. જ્યારે ઈંડામાંથી બચ્ચું તૈયાર થાય ત્યારે એ જાતે જ ઈંડાની દીવાલ તોડીને બહાર આવે છે અને રેતીની ઉપરના સ્તર પર આવી જાય છે. લગભગ આંગળીના બેથી અઢી વેઢા જેટલું કદ ધરાવતા આ બેબી ટર્ટલ્સને દરિયામાં છોડવામાં આવે છે. આ આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે અને બેબી ટર્ટલ્સ ભાંખોડિયાં ભરીને દરિયામાં વહી જાય એ ઘટના જોવી એ લહાવો છે.
ક્યાં છે ટર્ટલ ફેસ્ટિવલ? : વેલાસ અને આંજરલે બીચ પર
ક્યાં સુધી ચાલશે?: ૨૦ એપ્રિલ સુધી
ટર્ટલ્સ જોવાનો સમય : સવારે સાતથી ૮ અને સાંજે છથી ૭
રહેવાની વ્યવસ્થા : આ બન્ને બીચ પર હોમ-સ્ટે જ ઉપલબ્ધ છે. અનેક ઍડ્વેન્ચર અને ટ્રેકિંગ ગ્રુપો એક દિવસ અને બે નાઇટની ટૂર પણ લઈ જાય છે
ADVERTISEMENT
ભારતમાં બીજે ક્યાં જોવા મળે છે ઑલિવ રિડલી ટર્ટલ્સ?
૧. વેલાસ બીચ, રત્નાગિરિ
૨. આંજરલે બીચ, રત્નાગિરિ
૩. ગહિરમાતા બીચ, ઓડિશા
૪. રુષિકુલ્ય બીચ, ઓડિશા
૫. મરીના બીચ, તામિલનાડુ
૬. વાલીવેલી બીચ, કેરલા
૭. નીલાંગરાઈ, તામિલનાડુ

