મૃત્યુના ત્રણ દિવસ પછી ભાઈંદરના સ્મશાનમાં ગઈ કાલે બપોર બાદ ટીવી-અભિનેત્રી પંચમહાભૂતમાં વિલીન
તુનિશાના અંતિમ સંસ્કાર
વસઈમાં ટીવી-સિરિયલના શૂટિંગના સેટ પર આત્મહત્યા કરનારી અભિનેત્રી તુનિશા શર્માના ગઈ કાલે ભાઈંદરની સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ સમયે તુનિશાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા ટીવી-અભિનેતા શીઝાન ખાનની માતા અને બહેન પણ પહોંચ્યાં હતાં અને તેઓ ખૂબ રડતાં જોવા મળ્યાં હતાં.
૨૪ ડિસેમ્બરે આત્મહત્યા કરનારી ૨૦ વર્ષની ટીવી-અભિનેત્રી તુનિશા શર્માના ગઈ કાલે ભાઈંદરમાં ગોડદેવ નાકા પાસેના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અભિનેત્રીને અંતિમ વિદાય આપવા માટે તેના પરિવારજનો સાથે ફિલ્મ અને ટીવીજગત સાથે સંકળાયેલી અનેક હસ્તી પહોંચી હતી. ચોંકાવનારી વાત એ છે કે જેના પર તુનિશાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ છે એ શીઝાન ખાન પોલીસ-કસ્ટડીમાં હોવા છતાં તેની માતા અને બહેન તુનિશાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
તુનિશાનો મૃતદેહ કાલે બપોરે ત્રણેક વાગ્યે અંતિમક્રિયા માટે મીરા રોડ લાવવામાં આવ્યો ત્યારે પુત્રીનો મૃતદેહ જોઈને તેની માતા વનિતા રડી-રડીને બેભાન થઈ ગઈ હતી. તુનિશાના અંતિમ સંસ્કાર બાદ તેની માતાને કારમાં બેભાન હાલતમાં બેસાડીને ઘરે લાવવામાં આવી હતી.
૨૦ વર્ષની તુનિશાએ ૨૪ ડિસેમ્બરે વસઈમાં ટીવી-સિરિયલ ‘અલીબાબા : દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર શીઝાન ખાનના મેક-અપરૂમમાં સુસાઇડ કર્યું હતું. મૃત્યુના ત્રણ દિવસ બાદ તેની ગઈ કાલે અંતિમક્રિયા કરવામાં આવી હતી.
લૉક-અપમાં ભાંગી પડ્યો શીઝાન
તુનિશા શર્માને આત્મહત્યા કરવા મજબૂર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા શીઝાન ખાનની ગઈ કાલે એક મહિલા પોલીસ અધિકારીએ પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનનાં મહિલા અધિકારીએ તુનિશા સાથેના સંબંધ વિશે શીઝાન ખાનને પૂછ્યું ત્યારે તે રડવા માંડ્યો હતો અને એકલદોકલ શબ્દોમાં જ જવાબ આપ્યા હતા. તેના તુનિશા સિવાય બીજી કોઈ યુવતી સાથે સંબંધ છે કે નહીં એવા સવાલનો તેણે માથું હલાવીને નકારમાં જવાબ આપ્યો હતો.
અમારી ચુપકીદીને અમારી કમજોરી ન સમજો : શીઝાનની બહેન
શીઝાન ખાનની બહેનનું કહેવું છે કે અમારી ચૂપકીને અમારી નબળાઈ સમજવાની જરૂર નથી. ‘અલી બાબા : દાસ્તાન-એ-કાબુલ’માં કામ કરતી તુનિશા શર્માએ સુસાઇડ કર્યું છે. આ સુસાઇડના કેસમાં પોલીસે તેના એક્સ-બૉયફ્રેન્ડ શીઝાન ખાનને અરેસ્ટ કર્યો છે, કારણ કે તુનિશાની મમ્મીએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વિશે શીઝાનની બહેનોએ ચૂપકી તોડી છે. શીઝાનની બે બહેનો છે, શફક નાઝ અને ફલક નાઝ. બન્ને ટીવી-સિરિયલમાં કામ કરે છે. શફક ‘મહાભારત’ દ્વારા પૉપ્યુલર થઈ હતી અને ફલકે ‘સસુરાલ સિમર કા’ જેવા શોમાં કામ કર્યું છે. આ બન્નેએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે ‘બધાને બીજી સાઇડની સ્ટોરી જાણવાની ઉત્સુકતા છે અને અમારે પણ એ જાણવું છે. જોકે અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આ કપરા સમયમાં અમને પ્રાઇવસી આપવામાં આવે. આ સમયે બન્ને ફૅમિલી વિક્ટિમ છે. યોગ્ય સમય આવવા દો અને અમે પણ આના વિશે વાત કરીશું. જોકે આ યોગ્ય સમય નથી. મૃત્યુ ખૂબ જ દુઃખદ હોય છે અને દરેકે તેની ફૅમિલીની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ તેમને દુઃખ વ્યક્ત કરવા માટેનો સમય આપવો જોઈએ. તેની અંતિમ વિધિ પહેલાં પૂરી કરવી જરૂરી છે. આ ખૂબ જ દુઃખની વાત છે કે આપણે એક સારી વ્યક્તિને ખોઈ છે અને બીજી અરેસ્ટ થઈ છે. અમારી ચૂપકીને અમારી નબળાઈ સમજવાની જરૂર નથી, કારણ કે સમય યોગ્ય આવશે ત્યારે અમે આ વિશે વાત કરીશું. જોકે હમણાં અમારી પ્રાઇવસીનો રિસ્પેક્ટ કરો. આ સમય અમારી ફૅમિલી માટે ખૂબ જ કપરો છે. અમે પોલીસ સાથે કો-ઑપરેટ કરી રહ્યાં છીએ અને સત્ય બહુ જલદી બહાર આવશે. ઇન્ડિયન ન્યાયતંત્રમાં અમને પૂરો ભરોસો છે અને સત્ય બહાર આવીને રહેશે.’