બીજી યુવતી સાથે સંબંધ હોવા બાબતે તુનિશાએ પૂછ્યું ત્યારે શીઝાને આવું વર્તન કરવાને લીધે દીકરીએ આત્મહત્યા કરી હોવાનો દાવો તેની માતાએ કર્યો
તુનિશાના એક ફ્રેન્ડ સાથે માતા વનિતા શર્મા
૨૪ ડિસેમ્બરે વસઈમાં આવેલા સ્ટુડિયોના બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનારી તુનિશા શર્માના મામલામાં નવો વળાંક આવવાની શક્યતા છે. તુનિશાની માતા વનિતા શર્માએ ગઈ કાલે કહ્યું હતું કે શીઝાન પહેલેથી એક યુવતીના પ્રેમમાં હોવા છતાં તેણે તુનિશાને પોતાની જાળમાં ફસાવી હતી. તુનિશાએ આ વિશે તેને પૂછ્યું ત્યારે શીઝાને તેને લાફો મારીને હડધૂત કરવાને લીધે હતાશામાં સરી પડેલી તુનિશાએ આત્મહત્યા કરી હતી. આ સિવાય શીઝાન, તેની માતા અને બહેન તુનિશાને ઉર્દૂ શીખવવાની સાથે મુસ્લિમ યુવતીઓ પહેરે છે એવો હિજાબ પહેરવાનું કહેતાં હતાં અને શીઝાન તુનિશા પાસેથી મોંઘી ગિફ્ટ પણ લેતો હોવાનો દાવો વનીતા શર્માએ કર્યો છે.
ટીવી-અભિનેત્રી તુનિશાના મૃત્યુ બાદ ત્રીજા દિવસે તેના ભાઈંદરમાં અંતિમ સંસ્કાર કરાયા પછી ગઈ કાલે તુનિશાની માતા વનિતા શર્માએ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા તુનિશાના સાથી કલાકાર શીઝાન ખાન અને તેના પરિવાર સામે ગંભીર આરોપ લગાવ્યા હતા.
ADVERTISEMENT
પત્રકારો સાથેની વાતચીતમાં વનિતા શર્માએ કહ્યું હતું કે ‘શીઝાન તુનિશાથી ઉંમરમાં દસેક વર્ષ મોટો છે અને તેના પહેલેથી એક યુવતી સાથે સંબંધ હોવા છતાં તેણે તુનિશાને પોતાની જાળમાં ફસાવી હતી. તુનિશાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે શીઝાનને આ વિશે પૂછ્યું હતું. ત્યારે તેણે તુનિશા સાથેના સંબંધ તોડી નાખ્યા હતા અને સેટ પર તેને લાફો મારી દીધો હતો. આથી તુનિશા હતાશામાં સરી પડી હતી અને તેણે ૨૪ ડિસેમ્બરે શીઝાન સાથે છેલ્લી વાર પંદર મિનિટ વાત કર્યા બાદ સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી.’
તુનિશાની માતાએ વધુમાં કહ્યું હતું કે ‘ટીવી-સિરિયલ ‘અલીબાબા ઃ દાસ્તાન-એ-કાબૂલ’ના શૂટિંગ વખતે શીઝાન તુનિશાની નજીક આવ્યો હતો. તુનિશા માત્ર ૨૧ વર્ષની હતી એટલે તે શીઝાનની મીઠી-મીઠી વાતોમાં આવી ગઈ હતી અને તેની સાથે પહેલાં ફ્રેન્ડશિપ કરી હતી અને બાદમાં તે તેના પ્રેમમાં પડી હતી. શીઝાન, તેની માતા અને બહેનો તુનિશાને અવારનવાર ઘરે બોલાવતાં હતાં અને તેને મુસ્લિમ યુવતીઓ પહેરે છે એવો હિજાબ પહેરવાની સાથે ઉર્દૂ ભાષા શીખવાનું કહેતાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે અમને આ વાત બાદમાં ખબર પડી છે. શીઝાન તુનિશા પાસેથી મોંઘી-મોંઘી ગિફ્ટ મગાવતો હતો. શીઝાન સાથે લગ્ન કરવા માગતી હોવાથી તુનિશા તેમની વાતમાં આવી ગઈ હતી. શીઝાનની સાથે તેના પરિવારે તુનિશાને છેતરી હતી અને તેના વિશ્વાસનો ભંગ કરતાં મારી દીકરીએ જીવ આપી દીધો. પોલીસને વિનંતી છે કે આ તમામ ઍન્ગલથી શીઝાનની તપાસ કરાય અને તેને આકરામાં આકરી સજા આપવામાં આવે. તુનિશાને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં.’