TTEએ મારપીટ કરનારા પ્રવાસીઓને ૧૫૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો
AC લોકલ ટ્રેનમાં TTE જસબીર સિંહની મારપીટ કરી રહેલો આરોપી અનિકેત સિંહ (બ્લૅક ટી-શર્ટ).
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે ચર્ચગેટથી વિરાર જઈ રહેલી ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનમાં બે પ્રવાસીએ ટિકિટ ચેક કરી રહેલા ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)ની મારપીટ કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મારપીટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ ચર્ચગેટથી વિરાર તરફ જઈ રહેલી AC લોકલ ટ્રેન બોરીવલી પહોંચી ત્યારે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા અનિકેત ભોસલે અને તેના એક મિત્રે TTE જસબીર સિંહ સાથે ટિકિટ ચેક કરવા બાબતે પહેલાં ઝઘડો કર્યો હતો અને બાદમાં તેને ફાઇટ મારીને શર્ટ ફાડી નાખ્યું હતું. આથી TTEએ મારપીટ કરનારા પ્રવાસીઓને ૧૫૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો. આ ઘટના બાદ નાલાસોપારા રેલવે-સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ મારપીટ કરનારા અનિકેત ભોસલે અને તેના મિત્રને ટ્રેનમાંથી ઉતાર્યા હતા અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે અનિકેત ભોસલેએ માફીનામું લખીને આપ્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તેના મિત્રને પણ ચેતવણી આપીને જવા દેવામાં આવ્યો હતો.