રોજ ટ્રેન મોડી દોડતી હોવાથી કંટાળેલા મુસાફરોએ ટ્રેન રોકીને રોષ ઠાલવ્યો : રેલવે ટ્રેન મોડી દોડવાનું કારણ શોધશે
ગઈ કાલે ટિટવાલા સ્ટેશન પર પ્રવાસીઓએ ટ્રૅક પર ઊતરીને રેલરોકો આંદોલન કર્યું હતું
ટ્રેનો સમય કરતાં મોડી દોડતાં પીક-અવર્સમાં પ્રવાસીઓને ઑફિસ પહોંચવામાં હેરાનગતિ થતી હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. એવામાં ગઈ કાલે ટિટવાલા તરફના પ્રવાસીઓની હેરાનગતિ વેઠવાની સીમા પાર થતાં વિરોધ દાખવવા માટે રેલરોકો આંદોલન કરવામાં આવ્યું હતું. એને લીધે અનેક ટ્રેનો ખૂબ મોડી પણ દોડી હતી. મુસાફરોના આ રેલરોકો આંદોલનને કારણે સેન્ટ્રલ રેલવે પર સીએસએમટી તરફ જતી લોકલ મોડી દોડી હોવાથી પીક-અવર્સમાં મુસાફરોને અગવડ પડી હતી.
કસારા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) લોકલ ટ્રેન સવારે ૮.૧૮ વાગ્યે ટિટવાલા પહોંચવાની હતી, પરંતુ એ ૧૦ મિનિટ પછી આવતાં મુસાફરો પરેશાન થઈ ગયા હતા. આ રેલરોકો આંદોલન વિશે મળેલી માહિતી મુજબ લોકલ ટ્રેન ટિટવાલા ખાતે સવારે ૮.૧૮ વાગ્યે આવવાની હતી, પરંતુ એ દસેક મિનિટ બાદ સવારે ૮.૩૦ વાગ્યે આવી હોવાથી મુસાફરો નારાજ થયા હતા. આવું વારંવાર થતું હોવાથી રોષે ભરાયેલા પ્રવાસીઓએ ટ્રૅક પર કૂદીને ટ્રેનને આગળ વધતી અટકાવી હતી. ત્યાર બાદ ધીરે-ધીરે અનેક પ્રવાસીઓ ટ્રૅક પર ઊતરી પડ્યા હતા અને ગુસ્સે થઈને તેઓ જે સમસ્યાઓનો સામનો કરે છે એના વિશે વાત કરી રહ્યા હતા. પ્રવાસીઓના રેલરોકો બાદ સેન્ટ્રલ રેલવેએ વારંવાર વિલંબ પાછળના કારણની તપાસ કરશે એવું આશ્વાસન આપ્યા પછી જ પ્રવાસીઓ દૂર થયા હતા.
ADVERTISEMENT
એકાદ દિવસ હોય તો સમજી શકાય
દરરોજ ડોમ્બિવલીથી આસનગાંવ કારખાના પર જતા ટૉયઝના મૅન્યુફૅક્ચરર મનીષ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પીક-અવર્સમાં પાંચ મિનિટ પણ ટ્રેન મોડી પડે એટલે ભીડ બમણી થઈ જાય છે. એને કારણે સામાન્ય પ્રવાસીઓના તો ખરાબ હાલ થાય જ છે, પરંતુ સિનિયર સિટિઝનો પણ ખૂબ હેરાન થાય છે. આ સમયે તો બાળકો સાથેના લોકો પ્રવાસ કરી જ શકતા નથી. એક તો
ફ્રીક્વન્સી ઓછી હોય અને એમાં ટ્રેનો મોડી પડે તો પ્રવાસીઓ કઈ રીતે
પ્રવાસ કરી શકે એનો અંદાજ લગાવી શકાય છે. એકાદ વખત ટ્રેન મોડી હોય તો સમજી શકાય, પરંતુ દરરોજનો આ ત્રાસ કેવી રીતે સહન કરી શકાય? એથી અંતે ગઈ કાલે લોકોએ કંટાળીને આ પગલું લીધું હતું. રેલવેને લોકોની સમસ્યાનો અંદાજ છે છતાં કેમ કોઈ પગલાં લેવાતાં નથી એ પણ નવાઈની વાત છે.’
રેલવેનું શું કહેવું છે?
સેન્ટ્રલ રેલવેના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કસારાથી સીએસએમટી લોકલ સવારે ૮.૩૦ વાગ્યે (શેડ્યુલ સવારે ૮.૧૮ વાગ્યે) કોઈ ટેક્નિકલ કારણોસર ટિટવાલા આવી હતી. એથી લોકો ઉશ્કેરાયા હતા અને ટ્રેનને આગળ વધવા દીધી નહોતી. રેલવે સ્ટાફ સાથે ચર્ચા કર્યા બાદ ટ્રેન ટિટવાલાથી સવારે ૮.૫૧ વાગ્યે રવાના થઈ હતી.’