અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3ની વરલીથી કફ પરેડ વચ્ચેની ટ્રાયલ-રન સફળતાપૂર્વક પૂરી થઈ
ગઈ કાલે ટ્રાયલ રન વખતે મેટ્રોમાં હાજર રહેલાં MMRCનાં મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડે
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ ગઈ કાલે વરલીના આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ સુધી મેટ્રો-3ની સફળતાપૂર્વક ટ્રાયલ પૂરી કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. ઍક્વાલાઇનના નામે ઓળખાતી મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3 અત્યારે આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી ચાલે છે અને આ જ મહિને BKCથી વરલી સુધીનો બીજો તબક્કો શરૂ થવાનો છે. ત્યાર બાદ કફ પરેડ સુધીના છેલ્લા તબક્કાની ગઈ કાલે ટ્રાયલ-રન હતી જે સફળતાપૂર્વક પાર પડી હતી.
૩૩.૫ કિલોમીટરની આ આખી લાઇન શરૂ કરવા વિશે MMRCનાં મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડેએ કહ્યું હતું કે ‘ગઈ કાલનો દિવસ અમારા માટે બહુ જ મહત્ત્વનો હતો, કારણ કે અમે વધુ એક ચૅલેન્જ પૂરી કરીને માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. હવે અમે આખી લાઇન જુલાઈ ૨૦૨૫માં શરૂ કરવાની દિશામાં મહેનત કરી રહ્યાં છીએ.’

