કફ પરેડમાં ગાર્ડનમાં વૃક્ષો કાપવાના બીએમસીના પ્લાનનો કેટલાક ઍક્ટિવિસ્ટોએ વિરોધ કર્યો હોવાથી હવે ગાર્ડન ડિપાર્ટમેન્ટ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ : તળ મુંબઈના કફ પરેડમાં આવેલા માછીમારનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી હોવાથી રસ્તા પર રાખેલી કચરાપેટીઓમાં બહુ જ કચરો નાખવામાં આવતો હતો અને એ રોજેરોજ ઓવરફ્લો થઈને રસ્તા પર ફેલાઈ જતાં લોકોને ત્યાંથી પસાર થવામાં તકલીફ પડતી હતી. એથી કૅપ્ટન પેઠે રોડ પર સુરક્ષા ગાર્ડનમાં આવેલાં બે વૃક્ષ કાપી એ જગ્યાએ ખાડો કરી બે કચરાપેટી અન્ડરગ્રાઉન્ડ રાખવાનો બીએમસીએ પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં, એ બે વૃક્ષ કાપવા બાબતે બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટે લોકો પાસે વાંધાવચકા કે સૂચનો મગાવતી નોટિસ પણ બહાર પાડી છે. જોકે કેટલાક ઍક્ટિવિસ્ટોને આ બાબતની જાણ થતાં તેમણે વિરોધ કર્યો હોવાથી હવે બીએમસી વૈકલ્પિક વ્યવસ્થા શું કરી શકાય એનો પણ વિચાર કરી રહી છે.
આ બાબતે બીએમસીના ‘એ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર શિવદાસ ગુરવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માછીમારનગરના સુરક્ષા ગાર્ડનમાં અન્ડરગ્રાઉન્ડ કચરાપેટી મૂકવાનો વિચાર છે. મુખ્યત્વે ત્યાં કચરાપેટીઓ મૂકવા જગ્યા નથી અને કચરો પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે એથી ત્યાં કચરાપેટી મૂકવી જરૂરી જ છે, પણ એ મૂકવા માટે જરાય જગ્યા નથી. કચરાની ગાડી પણ અંદર જઈ શકે એમ નથી. એથી જો અન્ડરગ્રાઉન્ડ કચરાપેટીઓ હશે તો ત્યાં સ્વચ્છતા પણ રહેશે એ વિચારીને પ્રયોગ કરવાનો હતો. એ એક જગ્યા હતી જ્યાં કચરાપેટી જમીનની અંદર ખાડો કરીને બેસાડવાની હતી, જેથી કચરો બહાર રસ્તા પર ન ફેલાય. જ્યારે ગાડી આવે ત્યારે હાઇડ્રોલિક સિસ્ટમથી એ કચરાપેટીઓ બહાર કાઢી એનો કચરો કચરાગાડીમાં ઠાલવી આગળ લઈ જવાનો હતો. એથી સુરક્ષા ગાર્ડનમાં એ બે વૃક્ષની જગ્યાએ ખાડો કરીને એ કચરાપેટીઓ ગોઠવવાની હતી. એ માટે ગાર્ડન ડિપાર્ટમેન્ટે પ્રોસીજર પ્રમાણે લોકોના વાંધાવચકા મગાવવાના હોય એટલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જોકે એમ છતાં અમે બીજો કોઈ વિકલ્પ હાથ ધરી શકાય કે કેમ એ પણ વિચારી રહ્યા છીએ અથવા નજીકમાં એવી બીજી જગ્યા પણ જોઈ રહ્યા છીએ જ્યાં ટ્રકની મૂવમેન્ટ થઈ શકે.’

