આવો મેસેજ અને બોર્ડ દેશભરમાં જૈનોનાં દેરાસરોનું સંચાલન કરી રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની સહિત અનેક જૈન ધર્મશાળાઓએ એમની ધર્મશાળાઓમાં આવતા યાત્રિકોની ઑનલાઇન બુકિંગથી થયેલી છેતરપિંડીની ફરિયાદો પછી લગાવ્યાં છે
જૂનાગઢના ગિરનાર તીર્થના કચ્છી ભવનમાં લગાવવામાં આવેલું બોર્ડ.
આજના ડિજિટલ યુગમાં ઑનલાઇન બુકિંગની માગ વધી રહી છે. એની સાથે ઑનલાઇન ફ્રૉડના સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. ઘેરબેઠાં બુકિંગ કરવામાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. આવા જ બનાવો જૈન ધર્મશાળાના બુકિંગના નામે પણ બની રહ્યા છે. એને પરિણામે દેશભરમાં જૈનોનાં દેરાસરોનું સંચાલન કરી રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની સહિત અનેક જૈન ધર્મશાળાઓએ તેમની ધર્મશાળાઓમાં આવતા યાત્રિકોની ઑનલાઇન બુકિંગથી થયેલી છેતરપિંડીની ફરિયાદો પછી યાત્રિકોને ઑનલાઇન બુકિંગથી સાવધાન કરતો પરિપત્ર અને ધર્મશાળાઓમાં બોર્ડ મારવાની શરૂઆત કરી છે. એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઑનલાઇન બુકિંગ કરાવવાને બદલે ધર્મશાળાના કે જે-તે ધર્મશાળાની બ્રાન્ચમાં ફોન કરીને ધર્મશાળાનું બુકિંગ કરાવો, જેથી તમે છેતરપિંડીથી બચી શકો.