રેલવે અને રાજ્ય વચ્ચે પ્રવાસીઓ બની રહ્યા છે ફુટબૉલ
ફોટોલાઈન: વૉટ્સઍપ ડીપી પર આ ફોટો મૂકીને પ્રવાસીઓ ડિજિટલ આંદોલન કરી રહ્યા છે.
બધા માટે લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે એની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પણ રાજ્ય સરકાર અને રેલવે હજી સુધી કોઈ એકમત સાધી શકી નથી. દિવાળીથી લોકલ ટ્રેન શરૂ કરવાની વાતો ચાલી રહી છે અને હવે તો સન્ક્રાંત પણ પતી ગઈ, પરંતુ કોઈ નિર્ણય નથી લેવાયો. એના પરિણામરૂપે પ્રવાસીઓને હેરાનગતિ વેઠવી પડી રહી છે અને રેલવેમાં પ્રવાસ કરવા માટે તેઓ નવા-નવા રસ્તાઓ શોધવા લાગ્યા છે. હાલમાં લોકલ શરૂ કરવા સામે સૌથી મોટો મુદ્દો જો કોઈ હોય તો એ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મોબ કન્ટ્રોલિંગ, પણ રેલવે કે સરકાર બન્નેમાંથી કોઈ આ બાબતે કોઈ નિર્ણય પર નથી આવી રહી. ઊલટાનું રાજ્ય સરકારના પ્રધાન અને મુંબઈના પાલકપ્રધાન તો ત્યાં સુધી કહી રહ્યા છે કે રેલવેવાળા જાણીજોઈને પ્રવાસીઓને હેરાન કરી રહ્યા છે.
રેલવે શું કહે છે?
બે દિવસ પહેલાં જ રેલવેએ સ્ટેટ ગવર્નમેન્ટને પત્ર લખ્યો છે એમ કહેતાં વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ જીવીએલ સત્યકુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૯૦ ટકાની ઉપર રેલવેની સર્વિસ ચાલી રહી છે. સામાન્ય માટે લોકલ શરૂ કરવા સોશ્યલ ડિસ્ટન્સિંગ સૌથી મુખ્ય સમસ્યા છે. એટલે એનું નિરાકરણ કઈ રીતે લાવવું એ સ્ટેટે જોવું પડશે. રાજ્ય સરકારને પણ ખબર છે કે પહેલાં એક ટ્રેનમાં ૩૦૦૦થી ૪૦૦૦ પ્રવાસીઓ પ્રવાસ કરતા અને હવે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ૭૦૦ પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકે છે. બધાને પ્રવાસ કરવાની અનુમતિ અપાશે તો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થશે નહીં.’
એથી બે દિવસ પહેલાં લખેલા પત્રમાં રેલવે દ્વારા કહેવાયું છે કે રાજ્ય સરકાર ઑડિટ કરે અને સ્ટેગરિંગ ઑફિસ ટાઇમ કરે. મુંબઈનગરી ૨૪ કલાક દોડતી હોય છે તો જે ઑફિસોને શક્ય હોય એ મિડનાઇટ, બપોરથી સાંજે, સવારે એમ અલગ-અલગ સ્લૉટમાં નક્કી કરેલા સમયે પ્રવાસની અનુમતિ આપવાનું સજેશન રેલવેએ મૂક્યું હતું.’
રેલવે મુંબઈકરોનું હૅરૅસમેન્ટ કરી રહી છે
મુંબઈની લાઇફલાઇન ફરી જીવંત કરવા સ્ટેટ ગવર્નમેન્ટનો શું સ્ટૅન્ડ છે એ વિશે મુંબઈના પાલકપ્રધાન અસ્લમ શેખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સૌકોઈને જાણ છે કે મુંબઈ માટે લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન દોડવી કેટલી મહત્ત્વની છે. સામાન્ય મુસાફરો તેમના માટે લોકલ ક્યારે દોડશે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એથી અમે થોડા દિવસ પહેલાં પત્ર લખીને પ્રાયોગિક ધોરણે સામાન્ય પ્રવાસીઓ માટે રાતે ૧૦થી સવારે ૭ સુધી લોકલ દોડાવવા વિશે વાત કરી હતી. જો એમાં સફળતા મળે તો દિવસના સમયે પણ એસઓપી બનાવીને લોકોને મુસાફરી કરવાની સવલત આપી હોત. જોકે નાઇટમાં ટ્રેન દોડાવવા વિશે જ રેલવે દ્વારા કોઈ જવાબ અપાયો ન હોવાથી અમે પરવાનગીની રાહ જોઈને બેઠા છીએ. રેલવે મુંબઈકરોનું હૅરૅસમેન્ટ કરવા માગે છે અને મહારાષ્ટ્રનો વિકાસ અટકાવી રહી છે.’
રેલવે પૅસેન્જર અસોસિશનનું શું કહેવું છે?
આ વિશે રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય લોકો માટે લોકલ શરૂ કરવા સામે રેલવેએ મોબ નિયંત્રણ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પળાશે નહીં એવું કહીને એક રીતે હાથ ઉપર કરી લીધા છે. રેલવેએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું કંઈ રીતે પાલન કરવું એ પ્રશ્ન રાજ્ય સરકાર સામે મૂકીને તેમની પાસે જવાબ માગી રહી છે, પરંતુ વર્ષોના વર્ષ રેલવે લાખો પ્રવાસીઓને પ્રવાસ કરાવી રહી હોવાથી તેમની પાસે અનુભવ છે તો રેલવેએ આ સંદર્ભે પ્રશ્નો ઊભા કરવાની જગ્યાએ લોકલ સામાન્ય લોકો માટે શરૂ કરવા વિશે પગલાં લેવા જોઈએ. રાજ્ય સરકાર અને રેલવે બન્ને વચ્ચે સામાન્ય પ્રવાસી ફુટબૉલ બની ગયો છે. ફુટબૉલની જેમ આમથી આમ ફેંકાઈ રહ્યો છે. મોટા ભાગના વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે, સ્કૂલો બંધ છે, મહિલાઓ માટે મુસાફરીનો ચોક્કસ સમય નક્કી કરાયેલો છે તો બાકીના રહેલા સામાન્ય મુસાફરોના મોબને નિયંત્રણ અને કોઈ વ્યવસ્થા વિશે રેલવે કંઈ કરી શકતી નથી? ’
સામાન્ય લોકો માટે લોકલ શરૂ કરવા ડિજિટલ આંદોલન
સામાન્ય માટે લોકલ શરૂ કરાઈ ન હોવાથી એનો નિષેધ વ્યક્ત કરવા આંદોલન કરવાનો નિર્ણય પ્રવાસી સંઘટનાએ લીધો છે. ‘સર્વ સામાન્ય નાગરિકો માટે મુંબઈ લોકલ ટ્રેન શરૂ કરો’ એવો મેસેજ ધરાવતો ફોટો પોતાના વૉટ્સઍપ ડીપી પર મૂકીને પ્રવાસીઓ ડિજિટલ આંદોલન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે.

