થલ ઘાટ મારફત મુંબઈ માર્ગે દેશના ઉત્તર અને પૂર્વીય ભાગો તરફ ટ્રેનો જાય છે, જ્યારે ભોર ઘાટ દ્વારા દક્ષિણ તરફ ટ્રેનો જાય છે.
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે કેટલાક રૂટ પરનો ટ્રેન-વ્યવહાર અટકાવી દેવાયાના ચાર દિવસ બાદ થાણે, નાશિક અને પુણેના થલ અને ભોર ઘાટ વિસ્તારોની તમામ રેલવે લાઇન્સ સોમવાર સવારથી પુનઃ શરૂ કરાઈ હોવાનું સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઘણાં સ્થળોએ ભારે વરસાદ, ભેખડો ધસી પડવાથી, વૃક્ષો ધરાશાયી થવાને કારણે સેન્ટ્રલ રેલવે (સીઆર)એ ૨૧ જુલાઈએ રાતના ૧૦.૧૫ વાગ્યાથી થલ ઘાટ (કસરા ઘાટ)નો ટ્રેન-ટ્રાફિક બંધ કરી દીધો હતો, જ્યારે ખંડાલા ઘાટ તરીકે ઓળખાતા ભોર ઘાટનો ટ્રાફિક ૨૨ જુલાઈએ રાતના ૧૨.૩૦ વાગ્યાથી અટકાવી દીધો હતો.
બન્ને ઘાટ તીવ્ર ચડાણને કારણે સૌથી પડકારજનક સેક્શન્સમાં સ્થાન પામે છે. થલ ઘાટ મારફત મુંબઈ માર્ગે દેશના ઉત્તર અને પૂર્વીય ભાગો તરફ ટ્રેનો જાય છે, જ્યારે ભોર ઘાટ દ્વારા દક્ષિણ તરફ ટ્રેનો જાય છે.
આ ઉપરાંત સેન્ટ્રલ રેલવેએ ૨૫ જુલાઈની બપોરથી રાયગડ જિલ્લાની કર્જત-ખોપોલી રેલવે લાઇન પણ શરૂ કરી હોવાનું સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા શિવાજી સુતારે જણાવ્યું હતું.

