બોરીવલીનો ગુજરાતી પરિવાર કાશ્મીરમાં વેકેશન દરમ્યાન વીંખાઈ ગયો : કાર અને બસના અકસ્માતમાં મમ્મી અને બે દીકરીઓના જીવ જતા રહ્યા : ગઈ કાલે થયા અંતિમ સંસ્કાર
કાશ્મીરમાં અકસ્માતમાં પારી પરિવારની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, કાશ્મીરમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાં હેતલ પારી અને તેમની દીકરીઓ નિક્કી અને લેશા.
કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના ગુંડ કંગન વિસ્તાર નજીક રવિવારે સવારે એક કાર અને બસ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બોરીવલી-વેસ્ટના સત્યાનગરમાં રહેતાં ૪૫ વર્ષનાં હેતલ પારી તથા તેમની ૧૭ વર્ષની મોટી પુત્રી લેશા અને નાની પુત્રી નિક્કીનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા આશિષ પારી પરિવાર સાથે વેકેશન માણવા શુક્રવારે કાશ્મીર ગયા હતા. એ દરમ્યાન રવિવારે સવારે કાશ્મીરથી ગુંડ કંગન જતી વખતે તેમની કાર એક પૅસેન્જર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર-ડ્રાઇવર શ્રીનગરના ફહીમ અહમદ બદિયારીનું પણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત બસમાં પ્રવાસ કરી રહેલા ૧૭ લોકો ગંભીર રીતે જખમી થયા હતા. મંગળવારે સાંજે ત્રણેયના મૃતદેહને મુંબઈ લાવીને ગઈ કાલે કાંદિવલીની દહાણુકરવાડી સ્મશાનભૂમિમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ગઈ કાલે ત્રણેયના મૃતદેહ અલગ-અલગ ઍમ્બ્યુલન્સમાં સ્મશાનભૂમિમાં લઈ જવાયા હતા અને આશિષ પારીએ પત્ની તથા બન્ને દીકરીઓની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો.
કાશ્મીરમાં થયેલા અકસ્માતમાં આશિષભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે હાલમાં તેમની હાલત સ્થિર છે એમ જણાવતાં આશિષભાઈના એક નજીકના સંબંધી નયન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશિષની મોટી પુત્રી લેશાની બારમા ધોરણની પરીક્ષા થોડા વખત પહેલાં પૂરી થતાં તેને વેકેશન પડ્યું હતું, નાની દીકરી નિક્કીની પણ આઠમા ધોરણની પરીક્ષા પૂરી થઈ જતાં તેને પણ વેકેશન હતું. એ જોતાં આશિષનો પરિવાર શુક્રવારે મુંબઈથી ફ્લાઇટમાં કાશ્મીર વેકેશન માણવા ગયો હતો. શુક્રવારે સાંજે કાશ્મીરમાં થોડું ફર્યા બાદ રવિવારે કાશ્મીરના બીજા વિસ્તારો ફરવા માટે તેમણે એક કાર ભાડે રાખી હતી. રવિવારે સવારે તેઓ ગુંડ કંગન ખાતેના CRPF કૅમ્પ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં એ સમયે એક પૅસેન્જર બસ એકાએક સામે આવી જતાં કાર અને બસની સામસામે ટક્કર થઈ હતી જેમાં પાછળ બેસેલાં હેતલબહેન અને તેમની બન્ને પુત્રીઓને ગંભીર ઈજાઓ પહોચતાં તેમનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માત સમયે આશિષ આગળ બેસેલો હતો એટલે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક અમે તેમને મુંબઈ લાવવા માટેના પ્રયાસો ચાલુ કરી દીધા હતા. સોમવારે સાંજે કાશ્મીરની કાયદાકીય પ્રોસીજર પૂરી કરી ત્રણેયના મૃતદેહ અને આશિષને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ગઈ કાલે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.’

