દાદરમાં આવેલી સચિન કોઠારેની ચાઇનીઝ વાનગીઓની દુકાનમાં કામ કરતા ૧૯ વર્ષના સૂરજ યાદવનું શનિવારે ગ્રાઇન્ડરમાં આવી જવાથી મૃત્યુ થયું હતું.
સૂરજ યાદવનું શનિવારે ગ્રાઇન્ડરમાં આવી જવાથી મૃત્યુ
દાદરમાં આવેલી સચિન કોઠારેની ચાઇનીઝ વાનગીઓની દુકાનમાં કામ કરતા ૧૯ વર્ષના સૂરજ યાદવનું શનિવારે ગ્રાઇન્ડરમાં આવી જવાથી મૃત્યુ થયું હતું. સૂરજના કઝિને આ બાબતે પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે સચિન કોઠારે સામે બેદરકારીનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતની ઘટના ત્યાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કૅપ્ચર થઈ હતી.
સચિન કોઠારેએ તેની દુકાનમાં લાગતા માલની તૈયારી કરવા ભાડાની એક રૂમ રાખી છે. અહીં શાક સમારવામાં આવે છે અને લોટ એક મોટા ગ્રાઇન્ડરમાં નાખીને બાંધવામાં આવે છે. આમ તો સૂરજ છેલ્લા સાત મહિનાથી મુંબઈમાં આવ્યો હતો અને નાનું-મોટું કામ કરતો હતો, પણ તેને ગ્રાઇન્ડરનો અનુભવ નહોતો. શનિવારે તે ગ્રાઇન્ડર પર કામ કરી રહ્યો હતો અને એમાં જ ખેંચાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. ઘણી વાર સુધી તે એ રૂમમાંથી બહાર ન આવતાં તપાસ કરવામાં આવી ત્યારે તેનો અડધો મૃતદેહ ગ્રાઇન્ડરની બહાર લટકતો મળી આવ્યો હતો.