ઘાટકોપર-ઈસ્ટમાં કામરાજ નગર પાસે પૂરપાટ વેગે જઈ રહેલી ટ્રકની અડફેટે આવતાં શુક્રવારે સાંજે થાણે રહેતા બાવન વર્ષના વિજયકુમાર જોશીનું મૃત્યુ થયું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં કામરાજ નગર પાસે પૂરપાટ વેગે જઈ રહેલી ટ્રકની અડફેટે આવતાં શુક્રવારે સાંજે થાણે રહેતા બાવન વર્ષના વિજયકુમાર જોશીનું મૃત્યુ થયું હતું. નેવીના ભૂતપૂર્વ અધિકારી વિનયકુમાર દીકરા દિવ્યેશને માંટુગાની કૉલેજમાં મૂકીને પોતાના ટૂ-વ્હીલર પર ઘરે આવી રહ્યા હતા ત્યારે પાછળથી ધસમસતી આવી રહેલી ટ્રકે તેમના ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. પંતનગર પોલીસ ટ્રક-ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની શોધખોળ કરી રહી છે.
મારી કૉલેજમાં પ્રેઝન્ટેશન હોવાથી પપ્પા મને પોતાની મોટરસાઇકલ પર માટુંગા મૂકીને ઘરે આવી રહ્યા હતા ત્યારે તેમનો ઍક્સિડન્ટ થયો હતો એમ જણાવતાં વિજયકુમારના પુત્ર દિવ્યેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉલેજમાં હતો ત્યારે મને ઘટનાની જાણ થતાં હું તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં પપ્પાને હાજર ડૉક્ટરોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસને પપ્પાના ખિસ્સામાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સના આધારે તેઓ અમારા સુધી પહોંચી શક્યા હતા. પપ્પા નેવીમાંથી ૨૦૦૫માં રિટાયર થયા હતા. વધુ માહિતી મેળવતાં જાણ થઈ હતી કે જે ટ્રકે પપ્પાની મોટરસાઇકલને ઉડાડી હતી એ તો ત્યાંથી પલાયન થઈ ગઈ હતી, પણ ત્યાંથી પસાર થતા બીજા ટ્રક-ડ્રાઇવરે પપ્પાને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.’