ઘોડબંદર રોડ પર કૅમિકલ ભરેલું કન્ટેનર પલટી ખાઈ ગયું એને પગલે પીક અવર્સમાં મોટરિસ્ટો હેરાનપરેશાન
થાણે-ઘોડબંદર રોડ પર પાટલીપાડા ફ્લાયઓવર નજીક પલટી થયેલા કન્ટેનરને કારણે ઘોડબંદર રોડ પર થયેલો ટ્રાફિક જૅમ.
થાણે-ઘોડબંદર રોડ પર પાટલીપાડા ફ્લાયઓવર નજીક બુધવારે મોડી રાતે ૩૪ ટન કેમિકલ ભરેલું કન્ટેનર પલટી ખાઈ જતાં ગઈ કાલે સવારથી ઘોડબંદર રોડ પર બન્ને લેનમાં ટ્રાફિક જૅમ થયો હતો. આ ટ્રાફિક જોઈને થાણેની કેટલીક સ્કૂલોનાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી એટલું જ નહીં, ગઈ કાલે સાંજ સુધી કન્ટેનરને હટાવવામાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના અધિકારીઓ નિષ્ફળ જતાં ટ્રાફિક-પોલીસે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અને વિરુદ્ધ દિશામાં વાહન ન ચલાવવાની અપીલ કરી હતી.
બુધવારે રાતે બે વાગ્યાની આસપાસ મુંબઈથી થાણેની દિશામાં જઈ રહેલા એક કન્ટેનર પરથી એના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ૩૪ ટન કેમિકલ ભરેલું કન્ટેનર પાટલીપાડા ફ્લાયઓવર પાસે પલટી ખાઈ ગયું હતું એમ જણાવતાં થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના સિનિયર અધિકારી યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બ્રહ્માંડ સિગ્નલની બાજુમાં પાટલીપાડા બ્રિજ પાસે પલટી થયેલા કન્ટેનરને હટાવવા માટે અમે તાત્કાલિક એક ટીમ મોકલી હતી. આ કન્ટેનરમાં કેમિકલ હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે અમે ફાયર-બ્રિગ્રેડના અધિકારીઓને પણ ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. જોકે આ કન્ટેનરમાં ભરવામાં આવેલા કેમિકલની ગંભીરતાને જોતાં એને હટાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલી હતી, જેને કારણે ગઈ કાલે આખો દિવસ બન્ને લેનમાં ટ્રાફિક જૅમ થયો હતો. આ કન્ટેનરને હટાવવા માટે અમે ક્રેનની મદદ પણ લીધી હતી.’
કન્ટેનરના ડ્રાઇવર સામે અમે રૅશ ડ્રાઇવિંગનો ગુનો નોંધ્યો છે એમ જણાવતાં કાસરવડવલી ટ્રાફિક ડિવિઝનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતે કન્ટેનર પલટી થવાની માહિતી મળતાં અમારા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાતે મોટા ભાગે કોઈ પરેશાની થઈ નહોતી, કારણ કે પાટલીપાડા નજીકના ફ્લાયઓવર પરથી અમે વાહનો છોડ્યાં હતાં. સવારના ભાગમાં પીક-અવર્સમાં વાહનોનું પ્રમાણ વધતાં થોડો ટ્રાફિક થયો હતો, પણ એમાં કેટલાક વાહનચાલકો વિરુદ્ધ દિશામાં વાહન લઈ જતાં થોડો-થોડો કરીને આશરે સાડાપાંચ કલાક ટ્રાફિક જૅમ રહ્યો હતો. આ પરિસ્થિતિને જોઈને અમે નજીકનાં પોલીસ-સ્ટેશનોમાંથી વધારાનો સ્ટાફ મગાવીને ટ્રાફિક હળવો કરવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત થાણેનાં બીજાં ટ્રાફિક ડિવિઝનોમાંથી સ્ટાફ મગાવીને આખો દિવસ ઘોડબંદર પર ટ્રાફિક હળવો કરતાં દર ૫૦ મીટરે અમારો એક અધિકારી મૂક્યો હતો.’
ADVERTISEMENT
રોજ મને બાઇક પર ભિવંડી પહોંચતાં ૪૫ મિનિટ લાગે છે, પણ ગઈ કાલે આ ૨૦ કિલોમીટરનું અંતર અઢી કલાકમાં કાપ્યું હતું. રસ્તામાં કેમિકલ ઢોળાયું હોવાને કારણે ફરજ પરના પોલીસ અધિકારીઓએ અમને સલાહ આપી હતી કે મોઢા પર માસ્ક બાંધીને વાહન ચલાવો અને ઘરે જઈને આંખ અને હાથ-પગ ધોઈ નાખજો. - દરરોજ બાઇક પર કાસરવડવલીથી ભિવંડી જતા મનીષ ઠક્કર