સિલિન્ડરમાં આગ લાગતાં ટ્રાફિક રોકી દેવામાં આવ્યો : કલાકો સુધી લોકો ફસાયેલા રહ્યા : પરિવાર સાથે બહાર નીકળેલા લોકોની હાલત થઈ ખરાબ
અકસ્માત
મુંબઈ-અમદાવાદ હાઇવે પર શુક્રવારે મધરાત બાદ ત્રણ વાગ્યે હાઇડ્રોજનનાં સિલિન્ડરો લઈ જઈ રહેલી ગુજરાતની એક ટ્રકના ડ્રાઇવરે વસઈ ફાટા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક જમણી તરફના કનૅલ જેવા ગૅપમાં પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાંથી હાઇડ્રોજનનાં સિલિન્ડરો રસ્તા પર ફેંકાયાં હતાં અને એક સિલિન્ડરમાં આગ ફાટી નીકળી હતી. એથી એની પાછળનો અને અમદાવાદથી મુંબઈ તરફનો ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. વસઈ ફાયર-બ્રિગેડના જવાનોએ આગ ઓલવી નાખી હતી. હાઇવે પોલીસ, મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા સાવચેતીની દૃષ્ટિએ ટ્રાફિક કલાકો સુધી અટકાવી દેવામાં આવ્યો હતો. હાઇડ્રોજનનાં સિલિન્ડરોની યોગ્ય રીતે ચકાસણી કરીને ફાટે એમ નથી એની ખાતરી કર્યા બાદ જ એ ત્યાંથી હટાવવામાં આવ્યાં હતાં અને એ પછી બપોરે ૧૨ વાગ્યે બન્ને તરફથી એક-એક લેન ચાલુ કરવામાં આવી હતી. આમ લોકોએ આઠથી નવ કલાક એક જ જગ્યાએ પસાર કરવા પડ્યા હતા, જેને કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. એને કારણે ન્હાવા શેવા, નવી મુંબઈ અને પુણે તરફથી ગુજરાત તરફ જતા ટ્રાફિકને પણ અસર થઈ હતી. થાણેના ઘોડબંદર રોડ પર પણ ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ગુજરાત તરફ જતાં હેવી વેહિકલ્સને ત્યાર બાદ ભિવંડી અને વાડા રસ્તે મનોર ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં.
ત્રણ કિલોમીટર, સાત કલાક
ADVERTISEMENT
મીરા રોડથી સિલ્વાસા જવા નીકળેલી ચાર ફૅમિલીને મામૂલી અંતર કાપવામાં આટલો સમય લાગ્યો
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ગઈ કાલે સવારથી ભારે ટ્રાફિક જૅમ થવાને લીધે મીરા રોડથી સિલ્વાસા જવા નીકળેલી ચાર ફૅમિલી ફાઉન્ટન હોટેલ પાસેના વર્સોવા બ્રિજ પર કલાકો સુધી અટવાઈ ગઈ હતી. તેમને વર્સોવા બ્રિજથી રૉયલ ગાર્ડન રિસૉર્ટ સુધીના ત્રણ કિલોમીટરનું અંતર કાપવામાં સાત કલાક લાગ્યા હતા. સાથે બાળકો અને મહિલાઓ પણ હતાં એટલે તેમણે આટલો સમય સુધી કારમાં બેસી રહેવું પડ્યું હતું. આ ફૅમિલીને બપોરના ૧૨ વાગ્યે સિલ્વાસા પહોંચવાનું હતું. એને બદલે તેઓ બપોરે ૨.૩૦ વાગ્યા સુધી રૉયલ ગાર્ડન રિસૉર્ટ સુધી જ પહોંચી શક્યા હતા. મીરા રોડમાં શાંતિનગરના સેક્ટર એકમાં રહેતા અને કેબલનો બિઝનેસ કરતા પ્રકાશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર ફૅમિલીનું ત્રણ દિવસનું ગેટ-ટુગેધર સિલ્વાસામાં પ્લાન કર્યું હતું એટલે અમે સવારના સાત વાગ્યે ઘરેથી બે કારમાં નીકળ્યા હતા. અમે ફાઉન્ટન હોટેલ પાસેના નવા વર્સોવા બ્રિજ પર પહોંચ્યા ત્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ૭.૩૦ વાગ્યાથી અમે બ્રિજ પર હતા અને ચાર કલાક બાદ અમારી કાર થોડી આગળ વધી હતી. મીરા રોડથી સિલ્વાસા અમે બપોરના ૧૨ વાગ્યે પહોંચવાના હતા એને બદલે બપોરના ૨.૩૦ વાગ્યે રૉયલ ગાર્ડન સુધી જ પહોંચી શક્યા હતા. વર્સોવા બ્રિજથી રૉયલ ગાર્ડન રિસૉર્ટ ત્રણેક કિલોમીટરે આવેલો છે એટલે અમને આટલો પ્રવાસ કરવામાં સાત કલાક લાગ્યા હતા. મહિલાઓ અને નાનાં બાળકો આટલા કલાક કારમાં બેસી રહ્યાં હતાં એટલે નાસ્તો-પાણી કરવા અમે રૉયલ ગાર્ડન રિસૉર્ટમાં થોડો સમય રોકાઈને આગળ વધ્યા હતા. સિલ્વાસાની હોટેલના ત્રણ દિવસના પૅકેજના રૂપિયા ભરી દીધા હતા એટલે અમે આગળ વધવાનો નિર્ણય લીધો હતો. જોકે ટ્રાફિકને લીધે અમારો આજનો દિવસ બરબાદ થયો છે અને પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ટ્રાફિક જૅમે અમારી મજા બગાડી, પણ કોઈ બીમાર હોય તો તે હૉસ્પિટલ સુધી પહોંચી ન શકે એવી સ્થિતિ ઊભી થઈ હતી.’

