નાગપુર શહેર અને જિલ્લામાં દરરોજ સરેરાશ ૫૦ કરોડ રૂપિયાના દાગીનાનું વેચાણ થાય છે.
સોના-ચાંદીના દાગીના સાથે જપ્ત કરવામાં આવેલી વૅન નાગપુરના પોલીસ-સ્ટેશનમાં રાખવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વૉડ અને સ્ટૅટિક સર્વેલન્સની ટુકડીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે શનિવારે સાંજે મુંબઈથી ફ્લાઇટમાં ૧૭ કિલો સોનું અને ૫૫ કિલો ચાંદીના દાગીના નાગપુર મોકલવામાં આવ્યા હતા એ જપ્ત કરવામાં આવ્યા હતા. નાગપુર ઍરપોર્ટથી સોના અને ચાંદી સાથે નીકળેલી સીક્વલ લૉજિસ્ટિક્સ નામની કંપનીની વૅનને રસ્તામાં રોકીને તપાસ કરવામાં આવી હતી ત્યારે આ બાબત સામે આવી હતી. આ સોના અને ચાંદી નાગપુરના જ્વેલરોએ અગાઉથી ઑર્ડર આપીને મુંબઈથી મગાવ્યાં હતાં. વેપારીઓએ આ સંબંધી પુરાવા રજૂ કર્યા બાદ પણ ચૂંટણી પંચે જપ્ત કરેલી આ કીમતી ધાતુ છોડવાની ના પાડી દીધી છે. આથી નાગપુરના જ્વેલર્સે આ કાર્યવાહી કરવા સામે વિરોધ નોંધાવ્યો છે.
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ઉપાધ્યક્ષ રાજેશ રોકડેએ કહ્યું હતું કે નાગપુર શહેર અને જિલ્લામાં દરરોજ સરેરાશ ૫૦ કરોડ રૂપિયાના દાગીનાનું વેચાણ થાય છે. અહીંના ૨૫ જેટલા જ્વેલર્સ દરરોજ મુંબઈથી દાગીના મગાવે છે. જપ્ત કરવામાં આવેલા દાગીના વેપારીઓના છે. એના તમામ ડૉક્યુમેન્ટ્સ છે એમ છતાં દાગીના સાથેની વૅનને જપ્ત કરીને પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવી છે. ચૂંટણીની આચારસંહિતા એકથી દોઢ મહિનો લાગુ રહે છે એ દરમ્યાન દુકાનો કેવી રીતે બંધ રાખી શકીએ? જપ્ત કરવામાં આવેલા દાગીના વેપારીના નહીં, પણ ગ્રાહકોના છે. આથી ચૂંટણી પંચની ટીમે આ વાત સમજવી જોઈએ, પણ તેઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આ બરાબર નથી.’