Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદરનું પાર્કિંગ-લૉટ શરૂ કરાવવા વેપારીઓ મુખ્ય પ્રધાનના શરણે

દાદરનું પાર્કિંગ-લૉટ શરૂ કરાવવા વેપારીઓ મુખ્ય પ્રધાનના શરણે

Published : 27 February, 2023 08:42 AM | IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

દાદરમાં વેપારીઓના સહયોગથી ચાલુ કરાયેલો પબ્લિક પાર્કિંગ-લૉટ બંધ હોવાથી એને ફરી શરૂ કરવા સ્થાનિક વૉર્ડ ઑફિસના અસહકારથી વેપારીઓ નારાજ

દાદરનું પાર્કિંગ-લૉટ શરૂ કરાવવા વેપારીઓ મુખ્ય પ્રધાનના શરણે

દાદરનું પાર્કિંગ-લૉટ શરૂ કરાવવા વેપારીઓ મુખ્ય પ્રધાનના શરણે


તેમનું કહેવું છે કે અહીં ખરીદી કરવા માટે આવતા લોકોને સરળતા રહે એ માટે અમે સૂચવેલા ઉપાય પર કામ કરવાની બીએમસીની ઇચ્છા જ નથી


મુંબઈ : દાદર-વેસ્ટના કોહિનૂર સ્ક્વેરમાં છેલ્લા આઠ મહિનાથી બંધ પબ્લિક પાર્કિંગ-લૉટને શરૂ કરવા વેપારીઓ ઉત્સુક છે અને સાથે જ એનો મહત્તમ ઉપયોગ થઈ શકે એ માટે કેટલાંક સૂચનો પણ તેમણે કર્યાં છે. જોકે બીએમસીમાં સ્થાનિક વૉર્ડ લેવલે આ પાર્કિંગ-લૉટ ચાલુ કરવા માટે ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે. વેપારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં એના પર કોઈ પગલાં નથી લેવાઈ રહ્યાં. અધૂરામાં પૂરું, સુધરાઈએ વેપારીઓને નોટિસ મોકલીને કહ્યું છે કે કચરો ન થાય એનું ધ્યાન રાખો, નહીં તો કાર્યવાહી કરીશું.



સુધરાઈના આવા વલણથી કંટાળી ગયેલા વેપારીઓએ આ નોટિસનો સુધરાઈને જવાબ આપવાને બદલે સ્થાનિક વૉર્ડ ઑફિસની રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખીને ફરિયાદ કરી દીધી.


સીએમને લખેલા પત્રમાં કહ્યું છે કે ‘અમે તો ધંધો કરવા માગીએ છીએ, કચરો નહીં. વળી પાર્કિંગ-લૉટનો એ પાઇલટ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો અને બીએમસીના કમિશનર સહિત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે પણ એને બિરદાવ્યો હતો અને જેની ખરેખર જરૂરિયાત છે એવા એ પ્રોજેક્ટ પર કેમ ધ્યાન નથી આપતા. નવાઈની વાત એ છે કે સ્થાનિક વૉર્ડ ઑફિસ અમે કરેલી રજૂઆતનો જવાબ આપવાની દરકાર પણ નથી રાખતી.’

મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના અનેક મુંબઈગરાના ખરીદીના સેન્ટર ગણાતા દાદરમાં પાર્કિંગનો ઇશ્યુ હોવાથી ધીમે-ધીમે એની અસર અહીંના લોકોના ધંધા પર પણ પડવા માંડી હતી. જોકે ત્યાર બાદ દાદર વેપારી સંઘે આ બાબતે રસ દાખવીને કોહિનૂર સ્ક્વેરમાં બીએમસીના પબ્લિક પાર્કિંગ-લૉટ માટે ખાસ્સી મહેનત કરી હતી. એમની મહેનત  રંગ લાવી અને આખરે એ લોકો માટે પાર્કિંગની ફૅસિલિટી શરૂ થઈ હતી. દોઢ વર્ષ પહેલાં ચાલુ કરાયેલી એ પાર્કિંગ ફૅસિલિટી જુલાઈમાં બંધ કરી દેવાઈ હતી.


દાદર વેપારી સંઘના ચૅરમૅન સંદીપ શાહે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીના એ વખતના વૉર્ડ ઑફિસર કરણ દિઘાવકરે બહુ જ રસ લીધો હતો અને ટ્રાફિક  પોલીસે પણ પાર્કિંગની સમસ્યાનો હલ આવશે એવા ઉદ્દેશ સાથે સહકાર આપ્યો હતો. અમારા સંયુક્ત પ્રયાસોને કારણે એ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો. જોકે કેટલીક પ્રૅક્ટિકલ સમસ્યાઓ હતી એ ઉકેલવા અમે બહુ મહેનત કરી હતી. જેમ કે એમાં પાર્કિંગ કરવા લાંબો યુ-ટર્ન મારીને જવું પડતું હતું. એથી એ વખતે અમે સૂચન કર્યું હતું કે ત્યાં એક રાઇટ ટર્ન છે એ જો ખોલી નાખવામાં આવે તો કાર સરળતાથી પાર્ક થઈ જાય અને એ માટે સિગ્નલ વટાવી લેફ્ટમાં જઈ યુ-ટર્ન મારીને ફરી પાછું કોહિનૂર સ્ક્વેર આવીને કાર-પાર્કિંગમાં જવાની પળોજણ ઓછી થાય. બીજું, ત્યાં રસ્તાઓ નાના છે. જોકે હાલ રીડેલવપમેન્ટનાં કામ પણ ચાલી રહ્યાં છે એથી એ નવાં બનનારાં મકાનો અંદરની તરફ જવાનાં છે ત્યારે ફુટપાથ પર બહારની સાઇડ આવતાં બે બસ-સ્ટૉપને પણ સહેજ આગળ-પાછળ કરી શકાય એવી અમે રજૂઆત કરી હતી. જોકે કિરણ દિઘાવકરની બદલી થયા બાદ એ સૂચનોનો અમલ કરવાનું તો દૂર રહ્યું, એ પાર્કિંગ-લૉટ જ બંધ કરી દીધો છે. એ પાર્કિંગ-લૉટમાં ચાર કલાકના ૧૦૦ રૂપિયા અને ત્યાર બાદ વધારાનો ચાર્જ લેવાતો હતો, પણ પાર્કિંગ-લૉટ બંધ કરી દેવાથી બીએમસીને આર્થિક નુકસાન પણ જાય છે. અમે આ બાબતે રજૂઆતો કરી તો એનો પણ સ્થાનિક વૉર્ડ ઓફિસર જવાબ આપી નથી રહ્યા. આમ ફૅસિલિટી હોવા છતાં એનો ઉપયોગ નથી કરી શકાતો અને બધાએ હાડમારી ભોગવવી પડે છે. સુધરાઈ આનો કંઈ ઉકેલ લાવે તો સારુ.’

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2023 08:42 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK