કલ્યાણ–કસારા લાઇન પર વાશિંદ-ખડવલી વચ્ચે ટ્રૅક પર સવારે ૬.૩૦ વાગ્યે પાણી ફરી વળ્યાં હતાં
ગઈ કાલે સવારે વાશિંદ સ્ટેશન નજીક પાટાની આજુબાજુની માટી ખસી ગઈ હતી.
મોડે મોડે પણ વરસાદ જામી રહ્યો છે. શનિવારે રાતે મુંબઈ છોડીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં અને એમાં પણ મુંબઈને પાણી પૂરું પાડતા ભાતસા ડૅમના ઉપરવાસમાં વરસાદ પડતાં પાણીની સારી આવક થઈ હતી. જોકે એની આડઅસર રૂપે નીચાણવાળા વાશિંદ એરિયામાં પાણી ભરાઈ ગયાં હતાં અને રેલવે-ટ્રૅક પર ફરી વળતાં અનેક ટ્રેનો મોડી પડી હતી. કેટલીક લાંબા અંતરની ટ્રેનો શૉર્ટ-ટર્મિનેટ તો કેટલીક ડાઇવર્ટ કરવામાં આવી હતી.
કલ્યાણ–કસારા લાઇન પર વાશિંદ-ખડવલી વચ્ચે ટ્રૅક પર સવારે ૬.૩૦ વાગ્યે પાણી ફરી વળ્યાં હતાં. એ જ રીતે આટગાંવ અને તાનશેત સ્ટેશન વચ્ચે ટ્રૅક નીચેની કપચી સાથે માટી ખસી જતાં એ રૂટને અનસેફ જાહેર કરીને ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. અધૂરામાં પૂરું, વાશિંદ પાસે એક ઝાડ તૂટીને ઓવરહેડ વાયર પર પડતાં કલ્યાણ-ટિટવાલા વચ્ચે ટ્રેન-સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી હતી. પાણી ઊતર્યા બાદ ઝાડ હટાવ્યા પછી બપોરે ૧૨.૩૦ વાગ્યે ટ્રેનો રાબેતા મુજબ ચાલુ થઈ શકી હતી. જોકે એમ છતાં સાવચેતીની દૃષ્ટિએ ટ્રેનોની સ્પીડ ઘટાડવામાં આવી હતી.
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ ઑફિસરે જણાવ્યું હતું કે ‘ટ્રૅક પર પાણી ફરી વળવાને કારણે કેટલીક ટ્રેનો કલ્યાણથી લોનાવલા, પુણે, મિરજ, લોંઢા તરફ ડાઇવર્ટ કરવામાં આવી હતી. કળંબોલીમાં પણ ભારે વરસાદને કારણે પનવેલ–દિવા રૂટ પરની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વિદર્ભ એક્સપ્રેસમાં લાંબા સમય સુધી અટવાઈ ગયેલા પૅસેન્જરોને રેલવે તરફથી બિસ્કિટ અને પાણી વહેંચવામાં આવ્યાં હતાં.