લોનાવલા બાદ થાણે જિલ્લામાં પણ જોખમી પર્યટન-સ્થળોએ પ્રતિબંધ
માલશેજ ઘાટ
લોનાવલાના ભુશી ડૅમ પાસે વરસાદની મજા લઈ રહેલા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા બાદ અહીંનાં પર્યટન-સ્થળોએ ક્યાંક પ્રતિબંધ તો ક્યાંક સમયમર્યાદા લાદવામાં આવ્યાં છે. એ જ રીતે હવે થાણે જિલ્લામાં આવેલા ધોધ, ડૅમ અને નદી પાસેનાં પર્યટન-સ્થળોએ પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે એટલે લોકો આ ચોમાસામાં માલશેજ અને કસારા ઘાટ જેવા ધોધની મજા નહીં માણી શકે.
મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં પણ અનેક પર્યટન-સ્થળો છે જ્યાં ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો વરસાદની મજા માણવા જાય છે. આવાં સ્થળોએ લોકોના જીવ જોખમમાં ન મુકાય એ માટે થાણે જિલ્લાના પ્રશાસને મનાઈહુકમ જાહેર કર્યો છે.
ADVERTISEMENT
થાણેના અંબરનાથ તાલુકામાં કોન્ડેશ્વર ધોધ, ભોજ, દહીવલી, આંબેશિવ નદી, ચંદેરી ગડ, ચાંદપ, આસરોલી નદી, બારવી નદી; કલ્યાણ તાલુકામાં કાંબા, પાવશેપાડા, ખડવલી નદી, ટિટવાલા નદી, ગણેશ ઘાટ; મુરબાડ તાલુકામાં સિદ્ધગડ, સોનાળે, હરિશ્ચંદ્ર ગડ, બારવી ડૅમ પરિસર, પડાળે ડૅમ, માલશેજ ઘાટ, નાણે ઘાટ, ગોરખ ગડ; ભિવંડી તાલુકામાં ગણેશપુરી નદી પરિસર; શહાપુર તાલુકામાં ભાત્સા ડૅમ અને પરિસર, માહુલી કિલ્લો, અશોક ધોધ, આજા પર્વત, સાપગાવ નદીકિનારો, કળંબે નદી, કસારા ઘાટ અને ઘાટના ધોધ વગેરે પર્યટન-સ્થળો આવેલાં છે. આ ઉપરાંત આ સ્થળોએ ચારથી વધુ લોકોને એકત્રિત ન થવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.