Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટોરેસ જ્વેલરીના કેસમાં પોલીસની બેદરકારીને કારણે હજારો રોકાણકારોએ કરોડોનું નાહી નાખવાનો વારો આવ્યો

ટોરેસ જ્વેલરીના કેસમાં પોલીસની બેદરકારીને કારણે હજારો રોકાણકારોએ કરોડોનું નાહી નાખવાનો વારો આવ્યો

Published : 13 January, 2025 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવાજી પાર્ક પોલીસે કંપનીની જનરલ મૅનેજર તાનિયા ઉર્ફે તાઝાગુલ ક્ષસાતોવાની કોલાબામાં આવેલા ઘરમાંથી ધરપકડ કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


જૂન મહિનામાં રોકાણકારે જાણ કરી હોવા છતાં પોલીસે ધ્યાન નહોતું આપ્યુંઃ  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલામાં સંબંધિત પોલીસ-અધિકારી સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ મુંબઈના પોલીસ-કમિશનરને આપ્યો


૩૦૦ રૂપિયાના સ્ટોન



ટોરેસ જ્વેલરી બ્રૅન્ડ કંપનીએ લોકોને લાખો રૂપિયાનું રોકાણ કરવા સામે લોકલ માર્કેટમાંથી ખરીદવામાં આવેલા ૩૦૦ રૂપિયાની કિંમતના મોસેનાઇટ સ્ટોન કીમતી હોવાનું જણાવીને પધરાવ્યા હોવાનું જણાઈ આવ્યું છે. 


પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ટોરેસ જ્વેલરી બ્રૅન્ડમાં રોકાણ કરનારાઓને દર અઠવાડિયે ૬થી ૧૧ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને હજારો લોકોને છેતરવાના મામલામાં એક સબ-ઇન્સ્પેક્ટરે બેદરકારી દાખવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એક રોકાણકારે જૂન મહિનામાં ટોરેસ જ્વેલરીમાં રોકાણ કરવા માટે લોકોને લાલચ આપવામાં આવી રહી હોવાનો પત્ર લખ્યો હતો. સબ-ઇન્સ્પેક્ટરે આ સંબંધે કંઈ જ નહોતું કર્યું, જેને પગલે અસંખ્ય નવા રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હોવાનું કહેવાય છે. આ બાબતની માહિતી શિવાજી પાર્ક પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવતાં સંબંધિત સબ-ઇન્સ્પેક્ટર સામે ઇન્ક્વાયરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ટોરેસ જ્વેલરી બ્રૅન્ડમાં છેતરાયેલા લોકોએ કંપનીના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ શુક્રવારે કરી હતી. આથી મુખ્ય પ્રધાને મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને આરોપીઓ ઉપરાંત બેજવાબદાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના જાહેર કરી હતી. આ સૂચનાને પગલે કમિશનરે આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ-અધિકારીને સંબંધિતોને ઊંડાણપૂર્વક તપાસ કરવાનું કહ્યું છે.

ટોરેસ જ્વેલરી બ્રૅન્ડમાં રોકાણ કરનારાઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ મુંબઈ પોલીસની ઇકૉનોમિક ઑફેન્સિસ વિન્ગ (EOW) તપાસ કરી રહી છે ત્યારે મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરના આદેશને પગલે મુંબઈનાં તમામ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જને તેમની હદમાં આવેલી આ કંપનીના માલિક સહિત જે પણ લોકો સંકળાયેલા હોય તેમની સામે તપાસ કરીને કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. દાદરમાં ટોરેસ જ્વેલરીની ઑફિસ માટે કંપનીએ મહિને ૨૫ લાખ રૂપિયા રેન્ટ ચૂકવ્યું હોવાનું જણાઈ આવતાં પોલીસે આ જગ્યાના માલિકની ટૂંક સમયમાં પોલીસ પૂછપરછ કરશે.


કંપનીની જનરલ મૅનેજરને પોલીસે છોડી દીધી હતી

ટોરેસ જ્વેલરી બ્રૅન્ડ કંપનીની ઉઝબેકિસ્તાનની વતની જનરલ મૅનેજર તાનિયા ઉર્ફે તાઝાગુલ ક્ષસાતોવાની પોલીસે ધરપકડ કરી છે. જોકે શિવાજી પાર્ક પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે ડોંગરીમાં નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે તાનિયાની કારમાંથી ૬૯ લાખ રૂપિયા કૅશ મળી આવ્યા હતા. એ સમયે પોલીસે ડાયરી બનાવી હતી, પણ તાનિયા સામે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.

યુક્રેનના ફરાર થઈ ગયેલા નાગરિકો માસ્ટરમાઇન્ડ

ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડની અત્યાર સુધીની તપાસમાં આ કંપનીના માસ્ટરમાઇન્ડ યુક્રેનના પલાયન થઈ ગયેલા નાગરિક વિક્ટોરિયા કોવાલેન્કો અને ઓલેના સ્ટોઇન છે. પોલીસના જણાવ્યા મુજબ આ બન્નેએ ટોરેસ જ્વેલરી બ્રૅન્ડના સ્ટાફને કહ્યું હતું કે તેઓ ક્રિસમસ મનાવવા માટે યુક્રેન જઈ રહ્યા છે. જોકે તેઓ હજી સુધી ભારત નથી આવ્યા. કંપનીના બે સિનિયર એક્ઝિક્યુટિવ પાછા નથી આવવાના એની જાણ થતાં ટોરેસ જ્વેલરી બ્રૅન્ડની ઑફિસના સ્ટાફે દાદર અને સાનપાડાની ઑફિસ ખેદાનમેદાન કરી નાખી હતી.

SSC ફેલ CEO

પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે કે ટોરેસ જ્વેલરી બ્રૅન્ડનો પલાયન થઈ ગયેલો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તૌફિક રિયાઝ વિરારમાં રહેતો હતો અને SSC ફેલ છે. તૌફિક ભાયખલામાં આવેલા આધાર કાર્ડ સેન્ટરમાં કામ કરતો હતો. યુક્રેનના પલાયન થઈ ગયેલા માસ્ટરમાઇન્ડે તૌફિકને કંપનીના CEO બનવાની ઑફર આપી હતી. તૌફિકે બાદમાં સર્વેશ સુર્વેની ઓળખાણ માસ્ટરમાઇન્ડ સાથે કરાવી હતી જેને કંપનીના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તૌફિકને CEO પહેરતા હોય છે એવાં કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું હતું. સર્વેશ સુર્વેને મહિને ૨૫,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવતો હતો.

કરોડોની કૅશ મળી

શિવાજી પાર્ક પોલીસે કંપનીની જનરલ મૅનેજર તાનિયા ઉર્ફે તાઝાગુલ ક્ષસાતોવાની કોલાબામાં આવેલા ઘરમાંથી ધરપકડ કરી છે. તેના ઘરમાંથી ૫.૭૭ કરોડ રૂપિયા કૅશ મળી આવ્યા છે. ભાઈંદરના નવઘર પોલીસે રામદેવ પાર્કના ટોરેસ કંપનીની ઑફિસના સુપરવાઇઝર નીતિન લખવાણી અને મૅનેજર કૈસર ખાલીદ શેખ ઉપરાંત કંપનીને જગ્યા ભાડે આપનારી મહિલા લક્ષ્મી યાદવની પણ ધરપકડ કરી છે. કંપનીના સુપરવાઇઝર અને મૅનેજરના ઘરમાંથી ૨૬ લાખ રૂપિયા કૅશ મળી આવ્યા છે.

 

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK