આવું કહેવું છે ગૃહિણીઓનું, જેઓ પોતાના રસોડાનું બજેટ સાચવવા માટે ટમેટાને બદલે કોકમ અને લીંબુને વિકલ્પ તરીકે વાપરી રહ્યાં છે
ફાઇલ તસવીર
હીટવેવની સ્થિતિ અને વિલંબિત ચોમાસાને કારણે ટમેટાંના ભાવ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ૧૦૦ રૂપિયે કિલોથી વધુ થઈ ગયા છે. આંધ્ર પ્રદેશની સરકારે કડપ્પા અને રાયથુની ખેડૂતોની બજારમાં ૫૦ રૂપિયે કિલો સબસિડીવાળા દરે ટમેટાં વેચવાની શરૂઆત કરી છે, પણ મુંબઈની છૂટક બજાર અત્યારે ભડકે બળી રહી છે. મુંબઈ અને મુંબઈનાં ઉપનગરોમાં ટમેટાંના ભાવ સૌથી ઉચ્ચ સ્તરે છે. મુંબઈની છૂટક બજારમાં ટમેટાં ૧૨૦થી ૧૬૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે. આવા સંજોગોમાં મુંબઈની ગૃહિણીઓએ ટમેટાં ખરીદવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ગૃહિણીઓ કહે છે કે કોકમ અને લીંબુ જેવા ટમેટાંના ઘણા વિકલ્પ છે. અત્યારના ટમેટાંની શૉર્ટેજમાં જો ટમેટાં ખરીદવાનું બંધ કરીશું તો ચોક્કસ છૂટક બજારમાં ટમેટાંના ભાવ નીચે આવતાં વાર નહીં લાગે.
આ બાબતે માહિતી આપતાં બોરીવલી (વેસ્ટ)નાં મંજુલાબહેન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલી (વેસ્ટ)માં ત્રણ દિવસ પહેલાં ૧૩૦ રૂપિયે કિલો ટમેટાં લીધાં હતાં. અત્યારે એના વિકલ્પમાં હું ટમૅટો સૉસ કે કેચપનો ઉપયોગ કરું છું. જોકે આપણી ગુજરાતી દાળમાં ટમેટાં મસ્ટ છે, પણ બીજાં શાકભાજી પણ અત્યારે માર્કેટમાં ખૂબ મોંઘાં છે. ટમેટાં કચ્છી તથા ગુજરાતી પરિવારોની પ્રિય આઇટમ છે. અમે જૈનો લગભગ ટમેટાંનું શાક અઠવાડિયામાં બે વખત બનાવીએ છીએ, પણ અત્યારે તો ભાવ સાંભળીને ટમેટાં ખરીદવાનું બંધ કરી દીધું છે. સૅલડમાં પણ ટમેટાં બાકાત કરી દીધાં છે.’
ADVERTISEMENT
સાઉથ મુંબઈના ભુલેશ્વરમાં અત્યારે ટમેટાંના ભાવ ૧૪૦ રૂપિયા કિલો છે અને અમારી બાજુમાં સિક્કાનગરમાં સારા ટમેટાં ૧૮૦થી ૨૦૦ રૂપિયે કિલો મળે છે. આવા સંજોગોમાં ગૃહિણીઓ ટમેટાંનો બહિષ્કાર કરીને એના ભાવ નીચા લાવશે એવું કહેતાં સિક્કાનગરમાં કોચિંગ ક્લાસ ચલાવતાં ભ્રાંતિ યોગેશ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પહેલાં તો દાળમાં કોકમ કે લીંબુથી ચાલતું હતું, પણ હવે તો બદલાયેલા ટેસ્ટ અને સમયમાં દાળ હોય કે શાક, એમાં પણ પંજાબી શાકની ગ્રેવીમાં એની સાથેના સૅલડમાં ટમેટાંનો ઉપયોગ વધી ગયો છે. જોકે મેં એનો પર્યાય શોધવાનું વિચાર્યું છે. માર્કેટમાં ટમેટાંની પ્યૉરી મળે છે એનો ઉપયોગ કરી શકાય. પંજાબી શાક રેડ ગ્રેવીને બદલે વાઇટ કે ગ્રીન ગ્રેવીમાં બનાવી શકાય. ટમેટાંની પાઉંભાજીને બદલે પાલકની ગ્રેવી કરીને પાઉંભાજી બનાવી શકાય.’
ટમેટાં આજકાલ પોતાના રંગની માફક લાફો મારીને આપણું મોઢું લાલ કરી રહ્યાં છે એવું જણાવતાં લાલબાગની બીના છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા લાલબાગમાં બે દિવસ પહેલાં ટમેટાંના ભાવ ૧૦૦ રૂપિયે કિલો હતાં અને આજે એ ભાવ વધીને ૧૨૦ રૂપિયે કિલો થઈ ગયાં છે. અમે કચ્છી વીસા ઓસવાળ જૈન છીએ અને હમણાં ચાતુર્માસને કારણે ઘરમાં કંદમૂળ લાવવાનું બંધ છે. એમાં પણ ટમેટાંના ભાવ આકાશને આંબવા લાગ્યા તો પણ નાછૂટકે એ ભાવમાં અમારે લેવાં પડે છે. હા, પણ વપરાશમાં ફરક પડ્યો છે. એમાં પણ જરૂર ન હોય એવા ફૂડમાં વાપરવાનું બંધ કર્યું છે. સૅલડમાં કોબી, ચણા, મગ વગેરે બનાવીએ છીએ. ખબર નથી, આ ભાવ ક્યાં જશે? એટલું પાક્કું છે કે હમણાં તો અમને ટમેટાંએ લાલમલાલ કરી નાખ્યાં છે.’
આખું હિન્દુસ્તાન પાંચ-દસ દિવસ ટમેટાં ન ખરીદે તો ભાવ આપોઆપ ઓછા થઈ જાય એમ જણાવતાં ભાંડુપના કિરીટ લોડાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પરિવારે ટમેટાંના ભાવ જ્યારથી ઊંચકાયા છે ત્યારથી નક્કી કર્યું છે કે જ્યાં સુધી ટમેટાંના ભાવ ૨૫થી ૩૦ રૂપિયે કિલો ન થાય ત્યાં સુધી ઘરમાં ટમેટાં લાવવાનાં નહીં અને ખાવાનાં પણ નહીં.’
ટમેટાં વગર ગૃહિણીનું રસોડું આજના કાળમાં અઘરું છે એ વિશે માહિતી આપતાં મીરા રોડનાં પિનલ વશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતીય ગૃહિણીના રસોડામાં ટમેટાંનું મહત્ત્વ અનેરું છે. ભોજન પંજાબી, મહારાષ્ટ્રિયન, રાજસ્થાની કે કાઠિયાવાડી હોય, બીજા કોઈ પણ પ્રકારનું રોજબરોજનું શાક હોય, સૅલડ હોય કે કોઈ પણ પ્રકારની ગ્રેવી હોય, ટમેટાં વગર બને જ નહીં. આજે ટમેટાં સફરજનના ભાવે મળે છે. અમારા મીરા રોડમાં ૮૦થી ૧૨૦ રૂપિયે કિલોનો ભાવ ચાલે છે. અમારા જેવા મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ તદ્દન ખોરવાઈ ગયું છે.’
ટમેટાં આપણા ગુજરાતીઓના ભોજન માટે જરૂરી છે, પણ જરૂરિયાત નથી એમ જણાવતાં પ્રાર્થના સમાજનાં વીણાબહેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણે ટમેટાંના વિકલ્પ તરીકે દાળ અને શાકમાં કોકમ-લીંબુનો ઉપયોગ કરી શકીએ છીએ. હું તો કરું જ છું. પાલકની ભાજી ઝીણી-ઝીણી સમારી એમાં કાંદા મિક્સ કરીને હું ટમેટાં વગર શાક બનાવી રહી છું. હા, એમાં શંકા નથી કે પંજાબી શાકમાં અને પાઉંભાજીમાં ટમેટાં હોય તો એનો સ્વાદ અલગ હોય છે, પણ અત્યારે ૧૨૦થી ૧૪૦ રૂપિયે કિલોના ભાવે ટમેટાં ખરીદવાને બદલે એના અન્ય પર્યાયનો ઉપયોગ કરીને રસોઈ ટેસ્ટી બનાવી શકાય છે.’
હોટેલિયર શું કહે છે?
મુલુંડ (વેસ્ટ)ની રસના હોટેલના માલિક મનોજ ધિરાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ફાસ્ટફૂડનો બિઝનેસ છે. સૅન્ડવિચ, પીત્ઝા એ મારી મેઇન આઇટમ છે, જે ટમેટાં વગર બનાવવી અશક્ય છે. અત્યારે અમે ટમેટાં ૧૬૦ રૂપિયે કિલો લઈએ છીએ. આજથી બે મહિના પહેલાં ટમેટાં ૨૦થી ૨૫ રૂપિયે કિલો મળતાં હતાં. ટમેટાં મોંઘાં થતાં એની સીધી અસર ટમેટાંની આઇટમના ભાવ પર થાય છે, પરંતુ અમે અત્યારે અમારી આઇટમની ક્વૉલિટી અને ભાવ બન્નેને બૅલૅન્સ કરીને અમારા ગ્રાહકોને સાચવી રહ્યા છીએ. અમે અમારી ફૂડ-આઇટમના ભાવમાં એક પણ રૂપિયો વધાર્યો નથી.’
ટમેટાંનો કેમ ઓછો બગાડ થાય એના પર અમે ધ્યાન આપીશું એમ જણાવતાં માટુંગાની ક્લાસિક હોટેલના માલિક સીતારામ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એક મહિના પહેલાં ટમેટાં ૩૭ રૂપિયે કિલો ખરીદતા હતા, હવે ૧૨૦ રૂપિયે કિલો ખરીદી રહ્યા છીએ. અમારી મેઇન આઇટમ જ પાઉંભાજી અને પંજાબી વાનગીઓ છે. ગ્રાહકોને અમે અમારી પૂરતી સર્વિસ અમારા રેગ્યુલર ભાવે જ આપીશું. અમારી ક્વૉલિટીમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નહીં કરીએ. ફક્ત એનો વપરાશ સંભાળીને કરવો પડશે.’

