ચોમાસામાં મુંબઈને જળબંબાકાર થતું અટકાવવા ૧૯૦ કરોડનો ખર્ચ
ફાઈલ તસવીર
ચોમાસામાં દર વર્ષે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે ત્યારે મુંબઈ જળબંબાકાર થાય છે. આને લીધે મુંબઈકરોએ ઘણું સહન કરવું પડે છે. આ સમસ્યા માટે પાલિકાની આકરી ટીકા થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચોમાસા પહેલાં પાલિકાએ પાણી પહેલાં પાળ બાંધવાનો નિર્ણય લીધો છે. વરસાદનું પાણી ભરાવાની જ્યાં સૌથી વધુ સમસ્યા થાય છે એવા ૫૮ સ્પૉટ પર ૧૯૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટેની યોજના બનાવી છે. પાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીએ ગઈ કાલે આ કામ માટેની મંજૂરી આપી હતી.
વરસાદનાં પાણીના ઝડપી નિકાલ માટેની યોજનામાં પાણી ઝડપથી વહી શકે એ માટે નાળાં બાંધવાં, જે નાળાં છે એની ક્ષમતા વધારવી, અત્યારની પમ્પિંગ કૅપેસિટીમાં વધારે કરવો, વરસાદનો અહેવાલ, ભરતી-ઓટની માહિતી વગેરેનો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ બાદ તાત્કાલિક રીતે એના પર અમલ કરાશે.
ADVERTISEMENT
પાલિકાએ જે ૫૮ કામને મંજૂરી આપી છે એમાં માટુંગાની ગાંધી માર્કેટ, સાંતાક્રુઝના જે. કે. મહેતા માર્ગ, અંધેરીમાં આકૃતિ સેન્ટર અને કાર્ગો કૉમ્પ્લેક્સ, ચેમ્બુરના પી. એલ. લોખંડે માર્ગ, દેવનારના ગૌતમનગર, બોરીવલીના ચંદાવરકર રોડ, ગોરેગામના મહેશનગર સહિતનાં સ્થળોએ વરસાદનાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો છે.

