TMCએ કરોડો રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવા માટે અપનાવી ગુજરાત પૅટર્ન
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની કામગીરી
નાણાકીય વર્ષ પૂરું થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિથી ચાલતા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના નૌપાડા વૉર્ડ અંતર્ગત ગઈ કાલે ડિફૉલ્ટરોની જગ્યા સામે ઢોલ-નગારાં વગાડીને પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ૧૦ લાખ રૂપિયા કરતાં વધારેનો પ્રૉપર્ટી-ટૅક્સ બાકી હોય એની રિકવરી કરવા ૩૫ દુકાનો અને ઑફિસો સામે TMCએ ગઈ કાલે ઢોલ-નગારાં વગાડીને આબરૂના ઢોલ પીટ્યા હતા. દરમ્યાન આવતા વખતમાં પણ આવી રીતે વસૂલાતનો દોર ચાલુ રાખવાની ચીમકી TMCએ આપી છે એટલું જ નહીં, ૫૦,૦૦૦થી માંડીને ૧૦ લાખ રૂપિયાથી વધુનો પ્રૉપર્ટી-ટૅક્સ બાકી હોય એવા અલગ-અલગ ડિફૉલ્ટરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
વર્ષોથી પ્રૉપર્ટી-ટૅક્સ ન ભરતા હોય એવા રીઢા ડિફૉલ્ટરો પાસેથી કડક રીતે વસૂલાત કરવાનું કામ પહેલેથી જ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને અસંખ્ય નોટિસો મોકલીને કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી છતાં તેમણે પ્રૉપર્ટી-ટૅક્સ ભર્યો નહોતો એમ જણાવતાં નૌપાડા વૉર્ડના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વૉર્ડમાં આશરે ૧૮૦થી વધારે એવા ડિફૉલ્ટરો છે જેમને અનેક વાર નોટિસો મોકલીને પ્રૉપર્ટી-ટૅક્સ ભરવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી પણ અનેક વાર નોટિસો આપવામાં આવી હતી. એમ છતાં તેમણે પ્રૉપર્ટી-ટૅક્સ ભર્યો નહોતો. એ જોતાં ગઈ કાલે ૧૦ લાખ રૂપિયા અને એનાથી વધારે પ્રૉપર્ટી-ટૅક્સ બાકી હોય એવા ૩૫ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમની ઑફિસ કે દુકાનો નજીક જઈને ઢોલ-નગારાં વગાડવામાં આવ્યાં હતાં. એ દરમ્યાન તેમને અમારા અધિકારીઓ દ્વારા ફરી નોટિસ આપીને તાત્કાલિક બાકી
પ્રૉપર્ટી-ટૅક્સ ભરવાનું કહેવામાં આવ્યું છે.’
ADVERTISEMENT
થાણેના નૌપાડા વિસ્તારમાં દુકાન ધરાવતા એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વર્ષની શરૂઆતમાં જ કેટલો પ્રૉપર્ટી-ટૅક્સ બાકી છે એની માહિતી TMCના સિનિયર અધિકારીઓને હોય છે. એમ છતાં વસૂલાતની ઝુંબેશ છેલ્લા ત્રણ મહિનામાં જ શરૂ કરવામાં આવે છે. લોકો એકસાથે પૈસા ચૂકવી ન શકતા હોવાથી કરોડો રૂપિયાનું પાછલું લેણું બાકી રહી જતું હોય છે.’