ટીનેજ કિશોર-કિશોરીએ ગળે ફાંસો ખાધો તો ત્રીજા યુવાને બિલ્ડિંગ પરથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ અને ડોમ્બિવલીમાં શુક્રવારે ૧૧ વર્ષના કિશોરે અને ૧૯ વર્ષની કિશોરીએ તેમના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના બન્યા બાદ ગઈ કાલે ૨૩ વર્ષના એક યુવકે બિલ્ડિંગ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ડોમ્બિવલીના પાનપાડા વિસ્તારમાં ઝોરે પરિવાર રહે છે. આ પરિવારની સંજના નામની ૧૯ વર્ષની ટીનેજર તેના ઘરમાં કોઈક સાથે મોબાઇલ પર ચૅટ કરી રહી હતી ત્યારે તેની મમ્મી હેમાંગીને શંકા હતી કે પુત્રી કોઈ યુવક સાથે ચૅટ કરી રહી છે. આથી તેણે સંજના પાસેથી મોબાઇલ આંચકી લીધો હતો. આથી કૉલેજમાં ભણી રહેલી સંજનાએ આવેશમાં આવીને ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
ADVERTISEMENT
આત્મહત્યાની બીજી ઘટના કલ્યાણ-ઈસ્ટના કોલસેવાડી વિસ્તારમાં બની હતી. ૧૧ વર્ષના કિશોરને મળવા માટે તેની ટિટવાલામાં રહેતી ૧૩ વર્ષની ગર્લફ્રેન્ડ ઘરે આવી હતી. અજાણી કિશોરીને ઘરે આવેલી જોઈને કિશોરનાં મમ્મી-પપ્પાએ તેની પૂછપરછ કરી હતી. બાદમાં કિશોરનાં મમ્મી-પપ્પા કિશોરીને તેના ટિટવાલાના ઘરે મૂકવા ગયાં હતાં. પેરન્ટ્સ ઘરે પાછા આવ્યા હતા ત્યારે તેમણે ઘરમાં પુત્રને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
શુક્રવારની આત્મહત્યાની બે ઘટના બાદ ગઈ કાલે ડોમ્બિવલીમાં ૨૩ વર્ષના એક યુવકે પણ બિલ્ડિંગ પરથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું હતું. માનપાડા પોલીસના જણાવ્યા મુજબ કોલ્હાપુરમાં રહેતો ૨૩ વર્ષનો એક યુવક ગઈ કાલે સવારના માનપાડામાં રહેતી પ્રેમિકાને મળવા આવ્યો હતો. જોકે યુવતીએ પ્રેમનો ઇનકાર કર્યો હતો એટલે યુવતી જ્યાં રહે છે એ જ ચાર માળના બિલ્ડિંગની અગાસી પર યુવક ગયો હતો અને ઉપરથી કૂદકો માર્યો હતો. આ ઘટનાની જાણ કરવામાં આવતાં માનપાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ યુવકની ઓળખાણ થવાની બાકી છે.