ન્યુડ ફોટો-વિડિયો લીધા બાદ બ્લૅકમેઇલ કરીને પીડિતાને ઘરમાં ચોરી કરવા મજબૂર કરી: ભાયખલા પોલીસે ત્રણેયની ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની દાઉદી વહોરા સમાજની કિશોરી પર એક સગીર અને તેના બે સુન્ની મુસ્લિમ યુવકોએ ત્રણ મહિના સુધી બળાત્કાર કરીને પીડિતાને બ્લૅકમેઇલ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાયખલા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પીડિતાના ન્યુડ ફોટો-વિડિયો લઈને એ જાહેર કરવાની ધમકી આપીને તેને બ્લૅકમેઇલ કરતા હતા એટલે મજબૂર પીડિતા તેના ઘરમાંથી ચોરી કરવી પડી હતી. ચોરી પકડાઈ ગયા બાદ તેણે તેની મમ્મીને બળાત્કારની વાત કરી ત્યારે તેની મમ્મીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.
ભાયખલા પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘દસમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની કિશોરીની સોશ્યલ મીડિયા સ્નૅપચૅટ પર ૧૭ વર્ષના એક કિશોર સાથે ઓળખાણ થઈ હતી. આ વર્ષના મે મહિનામાં ઓળખાણ થયા બાદ ૧૭ વર્ષનો કિશોર પીડિતાને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. આ સમયે આરોપીએ પીડિતાના ન્યુડ ફોટો અને વિડિયો શૂટ કર્યા હતા. ત્યાર બાદ આરોપીએ આ ફોટો-વિડિયો તેના ૧૯ અને ૨૨ વર્ષના ફ્રેન્ડ સાથે શૅર કર્યા હતા. એ પછી ત્રણેયે આ ફોટો-વિડિયો જાહેર કરવાની ધમકી આપીને પીડિતા પર વારાફરતી બળાત્કાર કર્યો હતો. આવું ત્રણ મહિના ચાલ્યું હતું. આરોપીઓ પીડિતા પાસેથી રૂપિયાની માગણી પણ કરતા હતા એટલે પીડિતા પોતાના ઘરમાંથી કૅશ અને દાગીનાની ચોરી કરવા લાગી હતી. જોકે પીડિતાની મમ્મીએ પુત્રીની ચોરી પકડી હતી ત્યારે પીડિતાએ બળાત્કાર અને બ્લૅકમેઇલ કરવાની વાત કરી હતી. પીડિતાની મમ્મીએ ભાયખલા પોલીસ-સ્ટેશનમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ અને ૩૪૧ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. આરોપીઓ શ્રીમંત પરિવારના છે અને પીડિતા દક્ષિણ મુંબઈના વેપારીની પુત્રી છે.