બોરીવલી-ઈસ્ટમાં ત્રાટકેલી ત્રણ સગી બહેનોની પોલીસે કરી ધરપકડ ઃ તેમની સામે અનેક કેસ છે
Crime News
કસ્તુરબા પોલીસ દ્વારા ચોરી કરતી ત્રણ બહેનોની ધરપકડ કરવામાં આવી હતી
મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ની ટીમે ચોરીના કેસમાં ત્રણ સગી બહેનોની ધરપકડ કરી છે. આ બહેનો પોતાના શોખ પૂરા કરવા માટે ચોરી કરતી હતી. આ ત્રણેય બહેનો વિરુદ્ધ મુંબઈનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના અનેક કેસ નોંધાયેલા છે. આ ત્રણેય બહેનો ખૂબ હોશિયાર રીતે સૂમસામ સોસાયટીમાં ઘૂસી જઈને ચોરી કરતી હતી.
આ કેસ વિશે મળેલી માહિતી મુજબ ૩૫ વર્ષની સુજાતા શંકર સકટ, ૩૦ વર્ષની સારિકા શંકર સકટ, ૨૮ વર્ષની મીના ઉમેશ ઇંગલે નામની આ ત્રણ બહેનોની પોલીસ ટીમે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બહેનો પાસેથી ૪ સોનાની વીંટી સહિત અનેક સોના-ચાંદીની વસ્તુઓ, ૪ મોબાઇલ મળી આવ્યા હતા. કસ્તુરબા પોલીસ સ્ટેશનની હદમાં એક વ્યક્તિના ઘરમાં ઘૂસીને લૉકરમાંથી આશરે ૪,૮૬,૦૦૦ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ભાગી ગઈ હતી. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. ધરપકડ કરાયેલી ત્રણેય બહેનો કુર્લા વિસ્તારની રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું હતું કે તેમની સામે મુંબઈનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ઘણા કેસ નોંધાયેલા છે. હાલ આ ત્રણેય બહેનો કસ્તુરબા માર્ગ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે ત્રણેય બહેનોની ધરપકડ કર્યા બાદ હવે આ ત્રણે જણે અત્યાર સુધીમાં કેટલી ચોરી કરી છે અને તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે એની તપાસ કરી રહી છે.’
ADVERTISEMENT
બ્રૅન્ડેડ વસ્તુઓ ચોરતી હતી, એમ કહેતાં કસ્તુરબા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ત્રણેય બહેનોને ત્રણ-ત્રણ બાળક છે અને એમાંથી બેના પતિ ફિલ્મલાઇનમાં કામ કરે છે. આ બહેનો બ્રૅન્ડેડ ચંપલ, શૂઝ, વૉચ વગેરે ચોરી કરતી હતી. લોકો નાની-નાની વસ્તુઓ ચોરી થતી હોવાથી ફરિયાદ કરતા નહોતા. ધીરે-ધીરે આ બહેનોની હિંમત વધતાં ઘરમાં ચોરી કરવા લાગી હતી. ઘરમાં ઘૂસીને ચોરી કરીને જતી રહેતી હતી. ચોરેલો સામાન તેઓ વેંચી મારતી હતી અને એ પૈસા પોતાના પર અને પરિવાર પર ઉડાડતી હતી.’