૨૬, ૨૩ અને ૨૧ વર્ષની આ સગી સિસ્ટર્સ ૯ દિવસથી લાપતા, ભાઈંદરનો રાજસ્થાની પરિવાર પરેશાન
(ડાબેથી) સોનલ રાજપુરોહિત, રેણુકા રાજપુરોહિત, માનસી રાજપુરોહિત
ભાઈંદર-વેસ્ટમાં સ્ટેશન રોડ પરની સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના રાજપુરોહિત પરિવારની ૨૬ વર્ષની સોનલ, ૨૩ વર્ષની રેણુકા અને ૨૧ વર્ષની માનસી નામની ત્રણ સગી દીકરીઓ ૧૮ નવેમ્બરની સાંજથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. આ બહેનોની મમ્મી અને પરિવારજનો સહિત પોલીસ પણ તેમને શોધી રહી છે, પણ ક્યાંયથી તેમનો પત્તો નથી મળતો એટલે મમ્મી-પપ્પાની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ કહે છે કે ગાયબ થઈ ગયેલી બહેનો લગ્ન કરવા ન માગતી હોવાથી ઘરેથી ભાગી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
૯ દિવસથી ગાયબ થઈ ગયેલી બહેનોનો પરિવાર મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની હેડ ઑફિસની સામેની ડિકોના ગલીમાં રહે છે અને તેમના પપ્પા ગિરધર રાજપુરોહિત ભાઈંદર પોલીસ-સ્ટેશનની બહાર રસ્તામાં કટલરી વેચવાનું કામ કરે છે.
ADVERTISEMENT
ગિરધર રાજપુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે સંતાનમાં ત્રણ દીકરી સોનલ, રેણુકા અને માનસી છે. માનસીના ગર્ભાશયમાં ગાંઠ હતી એટલે ૪ નવેમ્બરે નજીકમાં આવેલી મીરા હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરે ૧૮ નવેમ્બરે બપોરે ચેકઅપ માટે બોલાવી હતી એટલે ત્રણેય બહેનો હૉસ્પિટલ ગઈ હતી. રાતના આઠ વાગ્યા સુધી તેઓ ઘરે ન આવતાં અમે તપાસ કરી હતી, પરંતુ તેમના મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતા. ક્યાંયથી પત્તો ન લાગતાં અમે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ત્રણેય બહેનોના મોબાઇલ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ આટલા દિવસ પછીયે તેમના નંબર બંધ છે. આથી તેઓ ક્યાં છે એનો ખ્યાલ નથી આવતો.’
ભાઈંદર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પારધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૧૮ નવેમ્બરે સોનલ, રેણુકા અને માનસી રાજપુરોહિત નામની ત્રણ બહેનની મિસિંગની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. હજી સુધી તેમનો કોઈ પત્તો નથી લાગ્યો.’
લગ્નના ડરથી બહેનો ભાગી?
સોનલ અને રેણુકાની સગાઈ કરવામાં આવી છે અને થોડા સમય બાદ તેમનાં લગ્ન થવાનાં હતાં. આ વિશે તેમના પિતા ગિરધર રાજપુરોહિતે કહ્યું હતું કે ‘સોનલ અને રેણુકાની મરજીથી અમે સગાઈ કરી છે. જોકે લગ્ન કર્યા બાદ પતિના પરિવારજનો ત્રાસ આપશે અને મારપીટ કરશે એવી વાત કોઈકે તેમના મગજમાં ઘુસાડી દીધી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. આથી ૧૮ નવેમ્બરે ઘરેથી નીકળ્યા બાદ મોટી દીકરી સોનલે ભાઈંદર પોલીસ-સ્ટેશનના નંબરમાં મેસેજ નાખ્યો હતો કે તેઓ લગ્ન નથી કરવા માગતી, પણ મમ્મી-પપ્પા દબાણ કરી રહ્યા છે એટલે હવે ઘરે નહીં જઈશું. અમને તેમણે આ વાત નથી કરી. દીકરીઓ જો લગ્ન ન કરવા માગતી હોય તો અમને કોઈ વાંધો નથી. તેમને હું દીકરાની જેમ રાખીશ. ચાર મહિના પહેલાં પણ ત્રણેય બહેનો કંઈ કહ્યા વિના વિરાર જતી રહી હતી. અમે સમજાવીને તેમને બે દિવસમાં પાછી લાવ્યા હતા. બધું ઠીક થઈ ગયું હતું તો હવે શા માટે તેઓ જતી રહી છે અથવા કોઈ તેમને ફોસલાવીને લઈ ગયું છે એ સમજાતું નથી.’