કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ જણને ગંભીર ઈજા પહોંચી હતી
ઘટનાસ્થળ
કોલ્હાપુરમાં લગ્ન સમારંભમાંથી પાછા ફરી રહેલા પરિવારની કાર સાંગલીના કૃષ્ણા નદી પરના અંકલી પુલ પરથી પડવાની ઘટના બુધવારે મોડી રાતે બની હતી, જેમાં પતિ-પત્ની સહિત અન્ય એક મહિલાનું મૃત્યુ થયું હતું; જ્યારે કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ જણને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યા મુજબ ૩૫ વર્ષનો પ્રસાદ ખેડેકર, તેની પત્ની ૩૬ વર્ષની પ્રેરણા, ૭ વર્ષનો પુત્ર સમરજિત, ૪૨ વર્ષની સાક્ષી નાર્વેકર, ૨૧ વર્ષની વૈષ્ણવી નાર્વેકર અને ૧૯ વર્ષનો વરદ નાર્વેકર કારમાં કોલ્હાપુરમાં લગ્ન-સમારંભમાં સામેલ થયા બાદ સાંગલી તરફ જઈ રહ્યા હતા ત્યારે કૃષ્ણા નદી પરના નવા અને જૂના પુલ પાસે કાર ચલાવી રહેલા પ્રસાદ ખેડેકરે નિયંત્રણ ગુમાવતાં કાર પુલની નીચે બન્ને બ્રિજની વચ્ચે પડી હતી. આ ઘટનામાં પતિ-પત્ની પ્રસાદ અને પ્રેરણા ખેડેકર તેમ જ વૈષ્ણવી નાર્વેકરનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે બાકીના ત્રણ જણને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનનારા ખેડેકર અને નાર્વેકર પરિવાર સાંગલીના કોલ્હાપુર રોડ પર આવેલી ગંગાધર કૉલોનીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.