મુંબઈ ઉપનગરીય ટ્રેન-સર્વિસને આજે ૧૭૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે સેન્ટ્રલ રેલવેએ જાહેર કરી આ ઇન્ટરેસ્ટિંગ વાત
મુંબઈ લોકલ
થાણે ક્રીક પર જૂની ટ્રેન. મધ્ય રેલવે આર્કાઇવ્ઝ
મુંબઈ : ભારતીય રેલવે આજે ૧૭૦ વર્ષ પૂરાં કરી રહી છે ત્યારે મધ્ય રેલવે દ્વારા એક નવો અભ્યાસ જાહેર કરવામાં આવ્યો છે. એમાં જણાવાયું છે કે ૧૮૫૩માં સૌપ્રથમ મુંબઈ-થાણે વચ્ચે રેલ-સર્વિસ શરૂ થઈ હતી. એ સમયની ઓછામાં ઓછી ત્રણ ટ્રેન આજે પણ એશિયાની સૌપ્રથમ રેલ કંપની ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે (જીઆઇપીઆર)ના સમયપત્રકને અનુસરે છે, જે આજે મધ્ય રેલવે નામે ઓળખાય છે.
એશિયા અને ભારતની પહેલી ટ્રેન મુંબઈ અને થાણે વચ્ચે ૧૮૫૩ના એપ્રિલ મહિનાની ૧૬ તારીખે બપોરે ૩.૩૫ વાગ્યે સૌપ્રથમ વાર દોડી હતી. આજે પણ ૯૭૩૭૯ ટાઇમ-ટેબલની આ ટ્રેન લગભગ બપોરે ૩.૨૮ વાગ્યે એની આસપાસના સમયે દોડીને ભારતમાં રેલવે પહેલી વાર આવી એ દિવસની સ્મૃતિને જીવંત રાખે છે. જીઆઇપીઆર મધ્ય રેલવે બની અને સ્ટીમ ટ્રેન હવે ઇલેક્ટ્રિક પાવર પર ચાલે છે, પરંતુ આ બન્ને સ્ટેશનો વચ્ચેનો પ્રવાસ હજી પણ એ જ બ્લુપ્રિન્ટ પર ચાલુ છે.
વધુ બે લોકલ ટ્રેન જે હજી પણ જીઆઇપી રેલવેના ટાઇમટેબલને અનુસરે છે એ છે બપોરે ૧.૪૦ વાગ્યાની કર્જત લોકલ અને સાંજે પાંચ વાગ્યાની અંબરનાથ લોકલ. આ બન્ને ટ્રેનોની એક વાત અનોખી છે. રેલ વિભાગના જૂના સમયપત્રક મુજબ બપોરે ૧.૪૦ વાગ્યાની કર્જત લોકલ સ્ટીમ એન્જિન ચાલતું હતું ત્યારની ચાલે છે. એ વખતે સ્ટીમ એન્જિન ટ્રેનના બન્ને છેડે જોડવામાં આવતાં હતાં. હવે લોકલ ટ્રેન જે ઇલેક્ટ્રિક છે એ પણ આ જ સમયે દોડાવાય છે એમ મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું.
સાંજે પાંચ વાગ્યાની સીએસએમટી-અંબરનાથ લોકલ જીઆઇપી રેલવેના સમયથી આ જ ટાઇમે દોડે છે. આ ટ્રેન આઇકૉનિક મુંબઈ-પુણે ડેક્કન ક્વીન એક્સપ્રેસ ટ્રેનની પાઇલટ ટ્રેન તરીકે કામ કરે છે. મતલબ કે આ ટ્રેન ડેક્કન ક્વીન કરતાં ૧૦ મિનિટ વહેલી દોડીને એનો રસ્તો ક્લિયર કરે છે. સાંજે પાંચ વાગ્યાની અંબરનાથ સેમી ફાસ્ટ લોકલ હવે એસી લોકલ છે, જે ગણતરીનાં સ્ટેશનો પર જ ઊભી રહે છે.
ભારતીય રેલવે આજે ૨૦૨૩ની ૧૬ એપ્રિલે એની સેવાનાં ૧૭૦ વર્ષ પૂરાં કરે છે.