મહેસાણાના રહેવાસીઓને ટાન્ઝાનિયાથી પાછા મુંબઈ મોકલવામાં આવ્યા બાદ ઍરપોર્ટ પોલીસે કરી ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના મહેસાણા જિલ્લામાં રહેતા ૩૨ વર્ષનાં ગીતા ચૌધરી, ૩૭ વર્ષનાં ભારતી ચૌધરી અને ૨૦ વર્ષનો અંશ ચૌધરી શુક્રવારે મુંબઈ ઍરપોર્ટથી ટાન્ઝાનિયા પહોંચ્યાં હતાં, પણ ત્યાંના ઇમિગ્રેશન વિભાગની તપાસમાં પાસપોર્ટ બોગસ હોવાનું જણાતાં ત્રણેય જણને શનિવારે પાછાં મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ત્રણ જણ સામે મુંબઈ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે સહાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની ધરપકડ કરી છે. અમેરિકા સ્થાયી થવા માટે મુંબઈના એક એજન્ટ પાસેથી ખોટા નામે પાસપોર્ટ તૈયાર કરાવડાવ્યાં હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
અંશ ચૌધરીને બદલે દિગ્વિજય પટેલ, ભારતી ચૌધરીને બદલે કલ્પના પટેલ અને ગીતા ચૌધરીને બદલે રંજના ચૌધરીના નામના બોગસ પાસપોર્ટ તૈયાર કરી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી શુક્રવારે સવારની ફ્લાઇટમાં ટાન્ઝાનિયા પહોંચ્યાં હતાં એમ જણાવતાં સહારના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ધનંજય સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે ટાન્ઝાનિયાથી મુંબઈ આવેલી ફ્લાઇટમાં ત્રણે જણને ત્યાંના ઇમિગ્રેશન વિભાગે ડિપોર્ટ કરી મુંબઈ ઇમિગ્રેશનને તેમનો કબજો સોંપ્યો હતો. ત્યાર બાદ મુંબઈ ઇમિગ્રેશન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતાં તેમણે અમેરિકા
સ્થાયી થવાના હેતુથી મુંબઈમાં રહેતા એક એજન્ટને લાખો રૂપિયા આપીને તમામ બોગસ પાસપોર્ટ સહિતના બીજા દસ્તાવેજ તૈયાર કરાવડાવ્યા હતા એટલું જ નહીં, એજન્ટે તેમને કહ્યું હતું કે જો ડાયરેક્ટ ફ્લાઇટમાં મુંબઈથી અમેરિકા જશો તો પકડાઈ જશો એટલે ટાન્ઝાનિયાથી અમેરિકા જવા માટે તેમણે ગુજરાતથી મુંબઈ આવીને ફ્લાઇટ પકડી હતી એવું તપાસમાં ત્રણે જણે ઇમિગ્રેશન વિભાગને જણાવ્યું હતું. અંતે મુંબઈ ઇમિગ્રેશન વિભાગના ઑફિસર વૈભવ બાવનિયાએ આ ત્રણ જણ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે અમે એજન્ટ સામે પણ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી છે.’