પોલીસે આ સંદર્ભે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં અને એ કૉલ પણ એ જ વ્યક્તિએ કર્યો હોવાની જાણ થઈ હતી જેણે પહેલો ધમકીનો ફોન કર્યો હતો
ફાઇલ તસવીર
મુંબઈ : નાગપુર પોલીસ કન્ટ્રોલને મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળી હતી એ જ રીતે તેમને હવે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલની ભૂમિકા ભજવતા ઍક્ટર દિલીપ જોષીના શિવાજી પાર્કના ઘરને ૨૫ જેટલા હુમલાખોરોએ ઘેરી લીધું હોવાનો ફોન નાગપુર પોલીસ કન્ટ્રોલને મળ્યો હતો. પોલીસે આ સંદર્ભે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં અને એ કૉલ પણ એ જ વ્યક્તિએ કર્યો હોવાની જાણ થઈ હતી જેણે પહેલો ધમકીનો ફોન કર્યો હતો.
પોલીસે આ બાબતે તપાસ કરીને એ કૉલ જે સિમ કાર્ડ પરથી કરવામાં આવ્યો હતો એ સિમ કાર્ડહોલ્ડરને શોધી કાઢ્યો હતો. તે યુવાન દિલ્હીની એક કંપનીમાં કામ કરે છે અને નાગપુર પોલીસ કન્ટ્રોલમાં કૉલ કરનારે તેની જાણ વગર એક ઍપના સહારે તેના સિમ કાર્ડનો ઉપયોગ કરીને એના પરથી ફોન કર્યા હતા. હવે પોલીસ જેણે ખરેખર કૉલ કર્યો એ વ્યક્તિને શોધી રહી છે. આ બાબતે દિલીપ જોષીનો સંપર્ક કરીને વધુ વિગતો જાણવાની કોશિશ કરાઈ હતી, પણ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.