સ્થાનિક પ્રશાસન પર પકડ હોય એવા નેતાઓ ચૂંટાઈ આવે તો જનતાના હિત માટેનાં કામો ઝડપથી થાય છે અને એનો ફાયદો બધાને મળે છે. હાઇવેમાં પણ સુધારો થાય તો આનંદ થશે.
મનીષ દોશી
ભાઈંદર-વેસ્ટમાં રહેતા રિયલ એસ્ટેટ બ્રોકર મનીષ દોશી વોટના બદલામાં મને શું જોઈએ છે એ વિશે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહે છે, ‘મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં છેલ્લા દોઢથી બે દાયકામાં જબરદસ્ત વિકાસ થયો છે, પણ રસ્તાની હાલતમાં કોઈ સુધારો નથી થયો. અહીં આજે પણ મોટા ભાગના રસ્તા ડામરના છે, જેમાં અવારનવાર ખોદકામ કરવામાં આવે છે એટલે સામાન્ય લોકો માટે વાહનોમાં તો શું કેટલીક જગ્યાએ ચાલવાનું પણ મુશ્કેલ બની જાય છે. દરેક ચૂંટણીમાં રસ્તાની સમસ્યા દૂર કરવાનાં ઠાલાં આશ્વાસન આપવામાં આવે છે, પણ બાદમાં આ સમસ્યા ભુલાવી દેવાય છે. આને લીધે સ્થાનિક રહેવાસીઓ પરેશાન છે. રસ્તાની ખરાબ હાલત હોવાથી ટ્રાફિકની મુશ્કેલી પણ વધી છે. વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, પણ એ ચલાવવા માટે પહેલા જેવા જ ખખડધજ અને ખાડાવાળા રસ્તાઓ છે. શહેરનો સમતુલિત વિકાસ થાય તો એનો ફાયદો બધાને થાય છે, પણ અહીં એવું કંઈ દેખાતું નથી. દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, પણ સ્થાનિક સ્તરે લોકોને સારા નેતૃત્વનો લાભ નથી મળી રહ્યો. સ્થાનિક પ્રશાસન પર પકડ હોય એવા નેતાઓ ચૂંટાઈ આવે તો જનતાના હિત માટેનાં કામો ઝડપથી થાય છે અને એનો ફાયદો બધાને મળે છે. હાઇવેમાં પણ સુધારો થાય તો આનંદ થશે.’
- પ્રકાશ બાંભરોલિયા



