વોટર આઇડી કાર્ડ બનાવી આપવાના તેને ગણતરીના પૈસા જ મળવાના હોવાથી એ પૈસામાંથી તે ફિલ્મ કેવી રીતે બનાવશે?
નગર ડાયરી
તસવીર: બકુલેશ ત્રિવેદી
બોઇસરમાં રહેતા પંકજ ગુપ્તા નામના યુવકને ફિલ્મ બનાવીને પોતાનું સપનું સાકાર કરવું છે, પણ પૈસા ન હોવાથી તેણે અજબ નુસખો અપનાવ્યો છે. તેણે ફિલ્મ બનાવવાનું પોતાનું સપનું પૂરું કરવા પૈસા ઊભા કરવા નવો નુસખો અજમાવ્યો છે. તે વિરારથી ચર્ચગેટ જતી ફાસ્ટ ટ્રેનમાં બપોરે એક બૅનર પકડીને વોટર આઇડી કાર્ડ બનાવવાની સર્વિસ ઑફર કરે છે અને એમાંથી જે પૈસા મળે એ ફિલ્મ બનાવવા માટે ભેગા કરે છે.
પોતાના આ અનોખા અભિયાન વિશે માહિતી આપતાં પંકજ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણા બધા એવા લોકો હોય છે જેઓ વધુ ભણેલા નથી અથવા તેમને ટેક્નૉલૉજી વાપરતાં નથી આવડતી. એવા લોકોને જો વોટર આઇડી કાર્ડ બનાવવું હોય તો એ હું તેમને બનાવી આપું છું. એ સર્વિસ આપવા માટે એ લોકો જેકાંઈ આપે, એક રૂપિયો પણ આપે તો એ હું સ્વીકારી લઉં છું. હું ફિલ્મમેકર છું. મારે ફિલ્મ બનાવવી છે. ગામડાના બૅકગ્રાઉન્ડ સાથે હિસ્ટોરિકલ સ્ટોરી પર હું ફિલ્મ બનાવવા માગું છું, પણ પૈસા ન હોવાથી મારી રીતે સર્વિસ આપીને પૈસા ઊભા કરી રહ્યો છું.’
જોકે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકોને પંકજ ગુપ્તાની વાત ગળે નથી ઊતરતી. એ માટે લોકોને પ્રશ્નો થાય છે કે મુંબઈમાં વોટર આઇડી કાર્ડ એક પણ રૂપિયો આપ્યા વગર બનાવવું સરળ છે ત્યારે લોકો તેને શું કામ પૈસા આપે? વોટર આઇડી કાર્ડ બનાવી આપવાના તેને ગણતરીના પૈસા જ મળવાના હોવાથી એ પૈસામાંથી તે ફિલ્મ કેવી રીતે બનાવશે?