રેઝિન આર્ટની મદદથી સાત ફુટ બાય ચાર ફુટનું એક પ્લૅટફૉર્મ તૈયાર કર્યું છે.
ગણપતિ બાપ્પા
ઘાટકોપરના બાલાજી મંદિર પાસે ઇન્ટીરિયર ડિઝાઇનર અને જ્વેલરી ડિઝાઇનર નીરા શાહના ઘરે દોઢ દિવસના ગણેશજી પધાર્યા હતા. એમાં થીમ હતી ગયા વર્ષે બહુચર્ચિત લક્ષદ્વીપ ટાપુની. તેમણે રેઝિન આર્ટની મદદથી સાત ફુટ બાય ચાર ફુટનું એક પ્લૅટફૉર્મ તૈયાર કર્યું છે. એમાં લક્ષદ્વીપનો નિર્મળ દરિયો અને દરિયાનાં મોજાંના તરંગો પણ જોવા મળે છે. પાણીની વચ્ચે તરતા લક્ઝુરિયસ વિલા, સનબાથ ચૅર્સ, રિસૉર્ટ બધું જ મિનિએચર સાઇઝમાં બનાવવામાં આવ્યું છે. પ્રાઇવેટ જેટ દરિયાની વચ્ચેના એક રનવે પર લૅન્ડ થતું પણ જોવા મળે છે. લક્ષદ્વીપ સ્કૂબા ડાઇવિંગ માટે વખણાય છે એટલે નાની-નાની બોટ્સમાં ડાઇવર્સ જતા હોય અને થોડાક ડાઇવર્સ પાણીમાં ઊંડે ગોતું ખાતા હોય એ પણ તેમણે રેઝિન આર્ટથી ક્રીએટ કર્યું છે. રિસૉર્ટ અને બીચ-હાઉસની પાસે લોકો સ્વિમિંગ કરતા હોય એવું પણ દેખાય છે. નીરાબહેન કહે છે, ‘મારો નાનો દીકરો દસ વર્ષનો છે એટલે ભારેખમ મૂર્તિ ઉપાડી શકે નહીં એટલે તેને ધ્યાનમાં રાખીને અમે પેપર મૅશમાંથી હલકી મૂર્તિ તૈયાર કરાવડાવી હતી. એ પણ બાળસ્વરૂપ રાખ્યું છે. બીચની રેતીમાં બાળગણેશ કોકોનટ વૉટર પીતા હોય એવો લુક આપ્યો છે. બાળસ્વરૂપ હોવાથી મસ્તીખોર આંખોવાળા બાપ્પાના માથે મુગટ પણ નથી રાખ્યો, પણ કાળા કર્લી હેર બતાવ્યા છે. તેમના માથે મેં દૂર્વા મૂકીને એને ઢાંક્યું હતું. દોઢ દિવસના ગણપતિ હતા એટલે અમે એનું વિસર્જન કર્યું અને પેપર ગણેશને કૂંડામાં વાવી દેવાથી એમાંથી છોડ ઊગી નીકળશે.’
૫૦૦ કિલો હળદરથી બનેલા ગણેશ
ADVERTISEMENT
ચેન્નઈમાં કોલાથુર વિસ્તારમાં એક ગણેશ પંડાલમાં આખી હળદરના ગાંગડાને દોરામાં સીવીને એનાથી ૧૨ ફુટ ઊંચી મૂર્તિ બિરાજમાન થઈ છે. ડેકોરેશન માટે ૫૦૦ કિલો હળદર વપરાઈ છે.
૬૦૦૧ આરતીની પ્લેટ, ૯૦૧ બ્રાસ લૅમ્પ અને ૩૦૦૧ શંખથી બનેલા ગણેશ
ચેન્નઈના કોલાથુર પુમ્બાકરનગર પાસે આવેલા એક પંડાલમાં ગણેશજીની એક મૂર્તિની સજાવટ પૂજા-આરતીમાં વપરાતાં સાધનોથી થઈ છે. ૬૦૦૧ દીપઆરાધના પ્લેટ એટલે કે આરતીની બ્રાસની થાળી, ૯૦૧ કામાક્ષી લૅમ્પ એટલે કે બ્રાસના દીવડા અને ૩૦૦૧ શંખથી ૪૨ ફુટ ઊંચી મૂર્તિની સજાવટ કરવામાં આવી છે.