સોસાયટીના ગાર્ડનમાંથી બહાર નીકળ્યા બાદ મેઇન રોડ પર પહોંચ્યા પછી પત્તો નથી લાગી રહ્યો
બાબુભાઈ જેઠાભાઈ ઘેટિયા
મીરા રોડ-ઈસ્ટમાં મીરા-ભાઈંદર રોડને અડીને આવેલા સંઘવીનગરની ખુશી રેસિડન્સીમાં રહેતા ૮૫ વર્ષના બાબુભાઈ જેઠાભાઈ ઘેટિયા ગુરુવારે સાંજે પાંચ વાગ્યે તેમની સોસાયટીના ગાર્ડનમાંથી બહાર નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. છેલ્લે મીરા-ભાઈંદર રોડ પરના બાબા ટાયર્સ પાસે હતા એવું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં દેખાયું હતું. એ પછી આસપાસ સહિત બધે તપાસ કર્યા બાદ પણ પત્તો નથી લાગતો.
મૂળ રાજકોટના કડવા પટેલ સમાજના બાબુભાઈ ઘેટિયાના પુત્ર રાજેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બપોરના જમીને આરામ કર્યા બાદ બાપુજી અમારી સોસાયટીના ગાર્ડનમાં નિયમિત જાય છે. ગુરુવારે પણ તેઓ ગાર્ડનમાં ગયા હતા. સાંજના પાંચ વાગ્યા સુધી તેઓ ગાર્ડનમાં હતા. બાદમાં તેઓ અમારા બિલ્ડિંગમાં આવવાને બદલે બહાર નીકળીને મીરા-ભાઈંદરના મેઇન રોડ પર ગયા હતા. એ પછી પત્તો નથી લાગતો. CCTV કૅમેરાનાં ફુટેજમાં આસપાસ જોવા મળ્યા હતા. તેમની પાસે મોબાઇલ છે, પણ બૅટરી ડાઉન થઈ ગઈ હતી એટલે મોબાઇલ ચાર્જિંગમાં મૂક્યો હોવાથી એ લેવાનું ભૂલી ગયા હતા. અમે તમામ સગાંસંબંધી, ફ્રેન્ડ્સ અને છેક અમારા રાજકોટ પાસેના ગામ સુધી તપાસ કરી છે; પણ ક્યાંય પત્તો નથી લાગતો.’
ADVERTISEMENT
બાબુભાઈ ઘેટિયા ક્યાંય જોવા મળે કે તેમની માહિતી મળે તો તેમના પુત્ર રાજેશનો 9819125976 અથવા 9820230312 નંબર પર સંપર્ક કરી શકો છો.