અંતે તેઓ મુલુંડ-ઈસ્ટની ચૂંટણીની ઑફિસમાં ગયા હતા. પરંતુ ત્યાં પણ વોટિંગ નહોતા કરી શક્યા
વિજય માણેક
શારીરિક અક્ષમતા ધરાવતા મુલુંડના ૬૫ વર્ષના વિજય માણેક ગઈ કાલે સવારે ૮ વાગ્યે વોટિંગ કરવાના ઉત્સાહ સાથે ઘરેથી વ્હીલચૅરમાં નીકળીને નવભારત સ્કૂલના વોટિંગ સેન્ટર પહોંચ્યા હતા. જોકે તેમનું નામ મતદારયાદીમાં ન હોવાથી ફરજ પરના અધિકારીઓએ કલાકો સુધી તેમને એકથી બીજા અને બીજાથી ત્રીજા વોટિંગ સેન્ટર પર ધક્કા ખવડાવ્યા હતા. એ પછી પણ તેઓ ગઈ કાલે વોટિંગ ન કરી શક્યા એ બદલ ભારે નિરાશ હતા.
વિજયભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘છેલ્લાં ૪૫ વર્ષથી હું સતત વોટિંગ કરતો આવ્યો છું. ચૂંટણીપંચના અધિકારીઓનો સમય મારા ઘરે આવીને વોટિંગ કરાવવામાં ન બગડે એટલે મેં પોતે વોટિંગ સેન્ટર જઈ મત આપવાનું નક્કી કર્યું હતું. ગઈ કાલે સવારે હું નવભારત સ્કૂલના વોટિંગ સેન્ટર ગયો હતો. ત્યાં મારું નામ મતદારયાદીમાં નહોતું એટલે મને દયાનંદ સ્કૂલના વોટિંગ સેન્ટર જવાનું કહેવામાં આવ્યું. ત્યાં પણ મારું નામ નહોતું. અંતે હું મુલુંડ-ઈસ્ટની ચૂંટણીની ઑફિસમાં ગયો, પરંતુ ત્યાં પણ હું વોટિંગ નહોતો કરી શક્યો એટલે ભારે નિરાશ થયો છું.’