હા, ટૂરિસ્ટો માટે ૨૦થી ૨૬ મે વચ્ચે આ હાલ હશે, કારણ કે શ્રીનગરમાં G20 ગ્રુપની મીટિંગને કારણે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે આ દિવસો દરમ્યાન શ્રીનગર અને ગુલમર્ગનાં ફરવાનાં સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે : પર્યટકોએ કદાચ હોટેલમાં જ બેસી રહેવું પડશે
ફાઇલ તસવીર
એક બાજુ સરકાર શ્રીનગરમાં G20 ગ્રુપની મીટિંગથી કાશ્મીરમાં ટૂરિસ્ટનું આકર્ષણ વધશે એવો દાવો કરી રહી છે ત્યારે બીજી બાજુ કાશ્મીર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે ૨૦ મેથી ૨૬ મે સુધી શ્રીનગર અને ગુલમર્ગનાં ફરવાનાં સ્થળોને આ દિવસોમાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એને કારણે વેકેશનના સમયમાં કાશ્મીર ફરવા જનારા સહેલાણીઓ માટે આ દિવસોમાં કદાચ હોટેલમાં બેસી રહેવાની નોબત આવવાની શક્યતા નકારી શકાતી નથી. શ્રીનગરના મુખ્ય દલ લેક પર જ G20 મીટનું ૨૨ મેથી ૨૪ મે સુધી આયોજન કરવામાં આવ્યું છે.
અમારા માટે સૌથી નવાઈની વાત એ છે કે જમ્મુ-કાશ્મીર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી કાશ્મીરનાં ફરવાનાં મુખ્ય સ્થળોએ નિયંત્રણો મૂકવાની જાહેરાત ગયા અઠવાડિયે જ કરવામાં આવી હતી એવી જાણકારી આપતાં શ્રીનગરના એક જાણીતા ટ્રાવેલ એજન્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી ગયા મહિને સરકાર અને ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે G20 મીટને કારણે કાશ્મીરનાં પર્યટન સ્થળો પર કોઈ પ્રકારનાં નિયંત્રણો લાદવામાં નહીં આવે. કોવિડ પછી કાશ્મીરની ટૂર પર મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ અને ગુજરાતથી લાખો ટૂરિસ્ટો ફરવા આવી રહ્યા છે. તેમનું બુકિંગ ત્રણથી ચાર મહિના પહેલાં થઈ જતું હોય છે. ટૂરિઝમ ડિપાર્ટમેન્ટની અચાનક આવી જાહેરાતથી આ ટૂરિસ્ટો માટે ૨૦ મેથી કપરા દિવસોની શરૂઆત થઈ જશે. શ્રીનગરના અમુક રસ્તાઓ પર ૧૫ મેથી નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં છે. દલ લેક પર જી-૨૦ મીટની જાહેરાતની સાથે જ સીઆરપીએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. છેલ્લા થોડા સમયમાં દલ લેક પર ક્યારેય આર્મી તહેનાત કરવામાં આવી નથી. સરકારનાં નિયંત્રણોને કારણે ટૂરિઝમ પર નભતા અને રોજગાર કમાઈ રહેલા ઘોડાવાળા, શિકારાવાળા જેવા અનેક લોકોમાં જોરદાર નારાજગી પ્રવર્તી રહી છે. અમને પણ અત્યારે ખબર નથી કે નવાં કયાં નિયંત્રણો ક્યારે આવશે, પણ અત્યારે અમને સહેલાણીઓની હાલત કફોડી બની જશે એવું દેખાય છે. અમે ટૂરિસ્ટોને અમારાથી શકય હોય એટલા ખુશ રાખવાના પ્રયાસો કરીએ છીએ.’
ADVERTISEMENT
મુંબઈના એક જાણીતા ટૂર ઑપરેટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લી ઘડીએ અમને કાશ્મીર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી જાણવા મળ્યું છે કે ગુલમર્ગમાં ૨૬ મે સુધી ગોંડોલા રાઇડ બંધ રાખવામાં આવી છે. એને લીધે ગુલમર્ગમાં બરફમાં રમવાનો અનેરો આનંદ સહેલાણીઓ માણી નહીં શકે. જી-૨૦ મીટને કારણે છેલ્લી ઘડીએ મૂકવામાં આવેલાં નિયંત્રણો સહેલાણીઓ માટે અને અમારા માટે કપરો સમય લઈને આવ્યાં છે. લોકોને આ નિયંત્રણોને કારણે હાડમારી ભોગવવી પડશે એવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સરકાર તરફથી જી-૨૦ મીટને કારણે શ્રીનગરને રોનકદાર શહેર બનાવી દેવામાં આવ્યું છે, પણ ટૂરિસ્ટો આ રોનક માણી શકશે કે નહીં એ આવનારો સમય જ કહી શકશે.’
મુંબઈના બીજા એક ટૂર ઑપરેટરે જણાવ્યું હતું કે ‘અમારા સહેલાણીઓએ કરાવેલાં ફાઇવસ્ટાર હોટેલનાં બુકિંગ કૅન્સલ કરવામાં આવ્યાં છે જે ઘણા દિવસો પહેલાં જ કરવામાં આવ્યાં હતાં. આ સહેલાણીઓને બીજી હોટેલમાં સીઝનના સમયમાં કેવી રીતે શિફ્ટ કરવા એ પણ અમારા માટે બહુ મોટો સવાલ ઊભો થયો છે.’
અહીંના સરકારી દાવા મુજબ જી-૨૦ મીટને લીધે કાશ્મીરને ઇન્ટરનૅશનલ ફોરમ પર પ્રમોટ કરવામાં આવશે. એનાથી અહીંના ટૂરિઝમને વેગ મળશે. આમ પણ કાશ્મીર ટૂરિઝમ પર જ નભે છે. આ વર્ષમાં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ કાશ્મીર ફરવા આવે એવી ગણતરી છે.
કાશ્મીરના ઇતિહાસમાં પહેલી વાર વિવિધ દેશોમાંથી ૨૨ મેથી ૨૪ મે દરમ્યાન દલ લેકના શેર-એ-કાશ્મીર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ સેન્ટરમાં ડેલિગેટ્સ આવશે. આ જી-૨૦ મીટ માટે અહીંના રસ્તાઓ પરની ઇમારતો પર પણ સજાવટ કરવામાં આવી રહી છે અને અહીંના રસ્તાઓનું અત્યારે નૂતનીકરણ ચાલી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જી-૨૦ મીટને લીધે અમુક પર્યટન-સ્થળો પર સહેલાણીઓ ૨૦ મેથી ૨૬ મે સુધી ફરવા જઈ શકશે નહીં.