દહિસર-ઈસ્ટમાં ભરૂચા રોડ પર આવેલા બાટાના શોરૂમમાં ગુરુવારની વહેલી સવારે શટર તોડી અજ્ઞાત ચોરો આશરે ૫૦ જોડી બૂટ ઉપરાંત ૧૨૦૦ રૂપિયા ચોરી ગયા હોવાની ફરિયાદ શુક્રવારે દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
દહિસર-ઈસ્ટમાં ભરૂચા રોડ પર આવેલા બાટાના શોરૂમમાં ગુરુવારની વહેલી સવારે શટર તોડી અજ્ઞાત ચોરો આશરે ૫૦ જોડી બૂટ ઉપરાંત ૧૨૦૦ રૂપિયા ચોરી ગયા હોવાની ફરિયાદ શુક્રવારે દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે દુકાનમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોતાં બે જણ શટર તોડી દુકાનની અંદર પ્રવેશી ચોરી કરતા જોવા મળ્યા હતા. આ વિડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં વધારે પ્રમાણમાં રોકડ ન મળી આવતાં ચોરોએ બૂટ ચોરી કર્યા હોવાનો દાવો પોલીસે કર્યો છે.
પૈસા ન મળતાં ચોરોએ બૂટની ચોરી કરી હોવાનો પ્રાથમિક અંદાજ CCTVનાં ફુટેજ પરથી સામે આવ્યો છે એમ જણાવતાં દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક હોનમાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે વહેલી સવારે બે લોકો શટર તોડી દુકાનમાં પ્રવેશી કેસ-કાઉન્ટરનું લૉક તોડ્યું હતું. જોકે એમાંથી માત્ર ૧૨૦૦ રૂપિયા મળી આવતાં ચોરો સ્ટૉક રૂમ તરફ વળ્યા હતા જ્યાંથી ૫૦ જોડી બૂટોનાં બૉક્સ લઈ દુકાનમાંથી નીકળી ગયા હોવાનું CCTVનાં ફુટેજમાં દેખાઈ આવ્યું છે. આરોપી વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં, આસપાસના વિસ્તારમાં આવા પ્રકારના બૂટોનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’