ગુજરાતી ઘરોમાં પણ વિઘ્નહર્તાનો દબદબો વર્ષોથી અકબંધ છે.
ગણેશ વિશેષ
આ છે એવા ગુજરાતી પરિવાર જેમને ત્યાં ૧૦૦ વરસથી પણ વધારે સમયથી બાપ્પાની પધરામણી થાય છે
ગુજરાતી ઘરોમાં પણ વિઘ્નહર્તાનો દબદબો વર્ષોથી અકબંધ છે. કોઈએ દેખાદેખીમાં તો કોઈએ પોતાની તકલીફો દૂર કરવા તો કોઈએ પ્યૉર ભક્તિભાવથી ગણપતિબાપ્પાની પધરામણી કરી હતી એ પણ વર્ષો પહેલાં. આજે ત્રીજી-ચોથી કે પાંચમી પેઢી આવી ગઈ હોવા છતાં આ ઘરોએ પોતાના વડવાઓની પરંપરા ચાલુ જ રાખી છે એટલું જ નહીં, આજે તેમનો ગણેશજી સાથે એવો અનેરો સંબંધ બંધાઈ ગયો છે કે તેમના માટે ઘરના એક સભ્ય સમાન જ બની ગયા છે. તો ચાલો જાણીએ આવા જૂના ભક્તો અને તેમની ભક્તિની કહાણી વિશે
લોકમાન્ય તિલકથી પ્રભાવિત મારા દાદાએ અમારા ઘરે ગણપતિ લાવવાની શરૂઆત કરેલી
ADVERTISEMENT
‘મારા દાદા-પરદાદાના સમયથી અમારા ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. હું પોતે આજે ૬૦ વર્ષનો થઈ ગયો છું તો વિચારો કે ગણપતિબાપ્પા સાથે અમારો નાતો કેટલો જૂનો હશે?’ વાતની કંઈક આવી શરૂઆત કરીને વાશીમાં રહેતા અમર ઠક્કર આગળ કહે છે, ‘મારાં ફુઈ જેઓ બે વર્ષ પહેલાં ૯૮ વર્ષની જૈફ વયે મૃત્યુ પામ્યાં હતાં તેઓ મને હંમેશાં કહેતાં હતાં કે હું એકદમ નાની હતી ત્યારથી મેં આપણા ઘરે ગણપતિ આવતા જોયા છે એટલે તેમના જન્મ પહેલાંથી ગણપતિની સ્થાપના થતી આવી હોવાનું અમારી ફૅમિલીનું માનવું છે. અમારા વડીલો કહેતા હતા કે મારા દાદા સ્વાતંત્ર્યસેનાની લોકમાન્ય તિલકથી ખૂબ પ્રભાવિત હતા અને તેમણે ચાલુ કરેલા સાર્વજનિક ગણેશોત્સવની પાછળ અમારે ત્યાં પણ ગણપતિ લાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આમ અમે કચ્છી ભાટિયા છીએ. એ સમયે આપણામાં કોઈ ગણપતિ ખાસ લાવતું નહોતું. પહેલાં અમારું ઘર ભુલેશ્વરમાં હતું. ત્યાર બાદ અમે ૧૯૭૦ની સાલમાં ઘાટકોપર શિફ્ટ થયા અને હમણાં અમે વાશીમાં રહીએ છીએ. આજે પણ દસ દિવસના ગણપતિની સ્થાપના અમારા ઘરે થાય છે અને છેલ્લાં થોડાં વર્ષોથી તો અમે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ જ લાવીએ છીએ. ગણપતિબાપ્પાનું આગમન થવાનું હોય ત્યારે અમારા ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય એવું વાતાવરણ સર્જાય છે. ડેકોરેશનથી લઈને બધું યુનિક જ કરીએ. ઠક્કર ફૅમિલીના બધા સભ્યો ભેગા થાય અને ઉત્સવ ઊજવીએ પણ હમણાં થોડા સમયથી બધા કામકાજમાં ખૂબ જ બિઝી થઈ ગયા હોઈ હવે થોડું ઓછું થઈ ગયું છે.’
૧૦૦ વર્ષ પહેલાં દાદાસસરા નંદુરબારમાં રહેતા ત્યારથી ગણેશજી પધારે છે : શૈલા શાહ
‘મારા દાદાસસરાએ ગણપતિ લાવવાની શરૂઆત કરી હતી. ત્યારે તેઓ નંદુરબારમાં રહેતા હતા. મારા સસરા જો આજે હયાત હોત તો આજે તેમને ૯૫ વર્ષ થયાં હોત. તેમ જ ગણપતિ લાવવાની શરૂઆત તેમના પપ્પાએ કરી હતી એટલે એના પરથી તમે અંદાજ મૂકી શકો છો કે અમારે ત્યાં ગણપતિ કેટલાં વર્ષોથી આવતા હશે.’ આ શબ્દો છે શૈલા શાહના. અત્યારે મીરા રોડમાં રહેતાં શૈલા શાહનો પરિવાર એક જમાનામાં નંદુરબારમાં રહેતો અને આસપાસ બધાં મહારાષ્ટ્રીયન ફૅમિલી હોવાથી બધાના ઘરે ગણપતિ આવતા જ હતા એ જોઈને તેમને ત્યાં પણ બાપ્પાને લાવવાની શરૂઆત થઈ. શૈલાબહેન કહે છે, ‘અમારા ઘરે ગૌરી આવે છે. દર વખતે કંઈક નવી થીમ કે યુનિક કરવું એવું અમે કંઈ રાખ્યું નથી. એક વખત મેં નારિયેળનું ડેકોરેશન કર્યું હતું અને એક વખત મેં ખજૂરનું બનાવ્યું હતું. તો આ વખતે મેં દેશમાં વધી રહેલા રેપ કેસની સામે જાગૃતિ લાવતી થીમ તૈયાર કરી છે જેમાં મહિલાઓને કેવા હક મળવા જોઈએ એ લખ્યું છે. રેપ વિક્ટિમ થયેલી ડૉક્ટરને દર્શાવતું હોય એવું એક પૂંઠામાંથી ચિત્ર બનાવ્યું છે અને એના પર સ્ત્રીઓને જે હક મળવા જોઈએ એ વિશે લખેલું છે. સંવિધાનના ચાર પાયા ગણાય છે એના રૂપમાં ગણપતિબાપ્પાના ફોટો મૂક્યા છે. આજ સુધીમાં અમારું એક પણ વર્ષ ગણપતિનું આગમન થયા વિનાનું રહ્યું નથી. આજે ગણપતિ અમારા પરિવારના સદસ્ય જ બની ગયા છે.’
૧૨૪ વર્ષ પૂરાં થયાં ઃ ઘરમાં જમણી બાજુ સૂંઢ ધરાવતા ગણપતિની સ્થાપના એ અમારા પરિવારની વિશેષતા : પ્રીતિ થાણાવાલા
વિક્રોલીમાં રહેતાં થાણાવાલા પરિવારમાં ૧૨૪ વર્ષથી ગણપતિબાપ્પાની સ્થાપના કરવામાં આવી રહી છે. આ વિશે માહિતી આપતાં થાણાવાલા પરિવારનાં વહુ પ્રીતિ થાણાવાલા કહે છે, ‘અમારા વડવા થાણાના નગરશેઠ હતા એટલે પહેલાં અમારો પરિવાર ૧૯૦૦ની સાલની આસપાસ થાણેમાં રહેતો હતો. ત્યાર બાદ અમે ભુલેશ્વરમાં આવ્યા અને અત્યારે વિક્રોલીમાં રહીએ છીએ. દર વર્ષે દોઢ ફીટની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ અમારા ઘરે આવે છે. પહેલાંથી અમે ગણપતિનું વિસર્જન ગૌરી વિસર્જનના દિવસે જ કરતા આવ્યા છીએ, પરંતુ લગભગ ૨૦ વર્ષથી અમે દોઢ દિવસ માટે ગણપતિની સ્થાપના કરીએ છીએ.
ઘરમાં મહિલાઓ વધારે હોય એટલે સાચવવું પણ પડતું હોય છે અને કામ પણ એટલું જ રહેતું હોય છે એટલે હવે દોઢ દિવસ માટે જ ગણપતિની સ્થાપના કરીએ છીએ. દર વર્ષે અમે અમારાં કુટુંબ અને સગાંઓને ઘરે દર્શન માટે બોલાવીએ છીએ. ભેગા મળીને ઉજવણી કરવાની મજા અલગ હોય છે. ગણપતિની મોટા ભાગની તૈયારી વર્ષોથી મારાં મોટાં નણંદ છાયાબહેન જ કરે છે. તેઓ એમાં ખૂબ જ નિપુણ છે. આ ઉપરાંત ઘરમાં જમણી સૂંઢના પણ ગણપતિ છે જે બહુ ઓછાના ઘરે હોય છે.’
સંતાનોનાં અકાળ મૃત્યુને રોકવા માટે દાદાજીએ ગણેશજીની સ્થાપના કરી હતી અને વિઘ્નહર્તાએ ખરેખર અમારાં બધાં જ વિઘ્ન હરી લીધાં : બકુલ ઠક્કર
ગુજરાતી અને હિન્દી નાટક, સિરિયલ અને ફિલ્મોની સાથે વર્ષોથી સંકળાયેલા એવા બકુલ ઠક્કરનાં ઘરે પણ સો વર્ષ કરતાં વધુ વર્ષોથી ગણપતિબાપ્પાની સ્થાપના કરવામાં આવી રહી છે. તેઓ કહે છે, ‘મારા દાદાને બાળકો જન્મીને ચારેક વર્ષમાં મૃત્યુ પામી જતાં હતાં. ત્યાર બાદ તેમને એક દીકરી જન્મી તે પણ નાની ઉંમરમાં મૃત્યુ પામી, જેની યાદમાં મારા દાદાએ એક પ્યાઉ બાંધ્યું હતું. ત્યારે ત્યાં રહેતા એક કોળીએ તેમને આવીને કહ્યું કે તમારા ઘરે ગણપતિ બેસાડો. તેમના આગમન બાદ તમારાં વિઘ્નો દૂર થઈ જશે એટલું જ નહીં, તમને કંઈ નડતું હશે એ પણ દૂર થઈ જશે. તેમની વાત માનીને મારા દાદાએ ગણપતિદાદાની સ્થાપના કરવાની બીજા વર્ષથી જ શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમને ચાર સંતાનો થયાં અને એ બધાં ખૂબ લાંબું જીવ્યાં.
ગણપતિબાપ્પા પ્રત્યે અમારી એવી શ્રદ્ધા વધી ગઈ કે એ આજ સુધી કાયમ રહી છે. જે વર્ષે પ્યાઉ બાંધ્યું હતું એની તારીખ પણ એના પર લખેલી છે જેના આધારે અમે ગણપતિની સ્થાપના કર્યાના વર્ષની ગણતરી કરીએ છીએ. અમે ગૌરી લાવીએ છીએ અને મૂર્તિ પણ અમારી સ્ટાન્ડર્ડ જ એટલે કે એકસમાન જ હોય છે જે અમે એક જ શિલ્પકાર પાસે બનાવીએ છીએ. હમણાં અમે કાંદિવલી રહીએ છીએ, પણ જ્યારે અમે ગિરગામ રહેતા હતા ત્યારથી તેની પાસે જ મૂર્તિ બનાવીએ છીએ. ઇકો-ફ્રેન્ડ્લી અને ગ્રીન ગણપતિની વ્યાખ્યા તો હમણાં લોકો સમજતા થયા છે, પણ અમે તો આ નિયમ પહેલાંથી જ ચાલુ રાખેલો છે. પહેલાંથી જ માટીના જ ગણપતિ આવે છે જેનું વિસર્જન પણ અમે ઘરમાં જ કરીએ છીએ.’